Papankusha Ekadashi 2026: હિંદુ ધર્મ સંસ્કૃતિમાં એકાદશી વ્રતનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આસો માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીને 'પાપાંકુશા એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે જ આ એકાદશી મનુષ્યના સમસ્ત પાપો અને અશુભ કર્મો પર અંકુશ લગાવવાનું કામ કરે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે. જે સાધક આ દિવસે ઉપવાસ રાખીને સદકર્મ અને ભક્તિ કરે છે, તેને પોતાના ભૂતકાળના અજાણતા થયેલા ખોટા કામોમાંથી મુક્તિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ જવાનો માર્ગ પ્રશસ્ત થાય છે.
વર્ષ 2026માં પાપાંકુશા એકાદશીની સાચી તારીખ અને શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અને જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2026માં પાપાંકુશા એકાદશીનું વ્રત 22 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાખવામાં આવશે. પંચાંગ મુજબ, એકાદશી તિથિની શરૂઆત 21 ઓક્ટોબરના રોજ બપોરે 2:11 કલાકે થશે અને આ તિથિ 22 ઓક્ટોબરના રોજ બપોરે 2:47 કલાકે પૂર્ણ થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું પ્રાધાન્ય હોવાથી 22 ઓક્ટોબરના રોજ જ મુખ્ય ઉપવાસ અને પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ 23 ઓક્ટોબર, શુક્રવારના રોજ સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણાં કરવામાં આવશે.
શા માટે કહેવાય છે 'પાપાંકુશા'? જાણો આ નામ પાછળનો ગૂઢ અર્થ
'પાપાંકુશા' શબ્દ બે પવિત્ર શબ્દોની સંધિથી બન્યો છે: 'પાપ' અને 'અંકુશ'. જે રીતે મહાવત હાથીને નિયંત્રિત કરવા માટે અંકુશનો ઉપયોગ કરે છે, તે જ રીતે આ એકાદશી મનુષ્યના પાપો અને દુરગુણો પર નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે. વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણના ઉલ્લેખ મુજબ, આ વ્રત કરવાથી સાધકને 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 સૂર્યયજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર વ્રત માત્ર વ્રત કરનાર વ્યક્તિનો જ નહીં, પરંતુ તેની માતૃ પક્ષ, પિતૃ પક્ષ અને શ્વસુર પક્ષની અનેક પેઢીઓનો પણ ઉદ્ધાર કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા યુધિષ્ઠિર વચ્ચેનો પૌરાણિક સંવાદ
પાપાંકુશા એકાદશીની પૌરાણિક કથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે. પદ્મ પુરાણ અનુસાર, ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને આસો માસના શુકલ પક્ષની એકાદશીના મહિમા અને તેના ફળ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે આ એકાદશી સમસ્ત સૃષ્ટિમાં પાપમુક્તિ માટે સર્વોત્તમ છે. શ્રીકૃષ્ણે કહ્યું કે જે મનુષ્ય આ દિવસે ભગવાન પદ્મનાભની તુલસી પત્ર, ધૂપ, દીપ અને સુગંધિત પુષ્પોથી પૂજા કરે છે, તે યમરાજના દંડથી મુક્ત થઈને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે.
ક્રૂર શિકારી ક્રોધચિત્તની ઉદ્ધાર કથા
પૌરાણિક કથા અનુસાર, વિંધ્યાચલ પર્વત પર 'ક્રોધચિત્ત' નામનો એક અત્યંત હિંસક અને ક્રૂર શિકારી રહેતો હતો. તેણે પોતાનું આખું જીવન પ્રાણીઓની હિંસા, લૂંટફાટ અને અધર્મમાં વિતાવ્યું હતું. જ્યારે તેનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે યમદૂતોને જોઈને તે ભયભીત થઈ ગયો અને ભાગતો ભાગતો અંગિરા ઋષિના આશ્રમે પહોંચ્યો. ઋષિના શરણે જઈને તેણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટેનો ઉપાય પૂછ્યો. દયાળુ અંગિરા ઋષિએ તેને આસો શુક્લ પક્ષની પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. શિકારીએ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત રાખ્યું, જેના પ્રભાવથી તેના તમામ પાપો બળીને ભસ્મ થઈ ગયા અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ.
એકાદશી વ્રતની સરળ પૂજા વિધિ અને દાનનું મહત્વ
એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સમક્ષ દીપ પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો. પૂજામાં પીળા પુષ્પો, ફળ, નૈવેધ્ય અને ખાસ કરીને તુલસીજી અર્પણ કરવા જોઈએ. આ દિવસે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરવો તથા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો અત્યંત ઉત્તમ ગણાય છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને અન્ન, જળ, વસ્ત્ર કે તલનું દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.








