Janmashtami 2026 Vastu Tips: હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારનું મહત્વ છે. આ પવિત્ર તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે દેશ-વિદેશમાં અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર, 2026ના રોજ ઉજવવામાં આવશે. આ શુભ પ્રસંગે ઘણા શ્રદ્ધાળુઓ પોતાના ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની નવી તસવીર કે મૂર્તિ લાવતા હોય છે પરંતુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સાચી દિશા અને યોગ્ય સ્વરૂપની તસવીર લગાવવામાં આવે તો જ તેનું સંપૂર્ણ ફળ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
તમારી મનોકામના મુજબ કેવી તસવીર પસંદ કરવી?
સંતાન પ્રાપ્તિ માટે: જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે, તેમણે જન્માષ્ટમીના દિવસે ઘરમાં માખણ ખાતા બાલગોપાલ અથવા યશોદા મૈયા સાથેના કાનુડાની તસવીર લગાવવી જોઈએ.
ઘરમાં સુખ-શાંતિ માટે: જો તમે ઘરમાં સકારાત્મક ઊર્જા અને માનસિક શાંતિ ઈચ્છતા હોવ તો ભગવાન શ્રીકૃષ્ણના મનમોહક અને હસતા મુખવાળા સ્વરૂપની તસવીર પસંદ કરવી.
દાંપત્ય જીવનમાં મધુરતા માટે: વાસ્તુ મુજબ ઘર અથવા બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને સંબંધો વધુ મજબૂત બને છે.
ધન-ધાન્ય અને આર્થિક વૃદ્ધિ માટે: સુખ-સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે ગાયો સાથે ઉભેલા ભગવાન શ્રીકૃષ્ણ (ગોપાલ સ્વરૂપ) ની તસવીર લગાવવી શ્રેષ્ઠ ગણાય છે.
તસવીર લગાવવા માટેની સાચી અને શુભ દિશા
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ભગવાન કૃષ્ણની તસવીર સ્થાપિત કરવા માટે ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશામાં દૈવી અને સકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. આ સિવાય તમે પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલ પર પણ તસવીર લગાવી શકો છો. જો તમે રાધા-કૃષ્ણની તસવીર બેડરૂમમાં મૂકવા માંગતા હોવ, તો તેને ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) દિશા ની દીવાલ પર લગાવવી જોઈએ. આ દિશામાં તસવીર રાખવાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે.
આ દિશામાં ભૂલથી પણ ન લગાવવી તસવીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તેથી, દક્ષિણ દિશાની દીવાલ પર ભગવાન શ્રીકૃષ્ણ કે અન્ય કોઈ દેવી-દેવતાઓની તસવીર લગાવવાથી બચવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઈ શકે છે.
જન્માષ્ટમી પૂજા અને વાસ્તુ અંગે વિશેષ માહિતી
વાંસળી અને મોરપિંચ્છનું મહત્વ: જો તમે ઘરમાં તસવીર સિવાય વાંસળી કે મોરપિંચ્છ રાખો છો તો તેને વાસ્તુ દોષ નિવારક માનવામાં આવે છે. ઘરના પૂજા ઘરમાં બે વાંસળી રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.
કઈ તસવીરો ઘરમાં ન રાખવી?: ભગવાન શ્રીકૃષ્ણના મહાભારત યુદ્ધવાળા સ્વરૂપ (જેમાં તેઓ રથ પર અર્જુનને ગીતા ઉપદેશ આપી રહ્યા હોય કે શસ્ત્ર ઉગામતા હોય)ની તસવીર ઘરના મુખ્ય ઓરડા કે બેડરૂમમાં ન લગાવવી જોઈએ. આવી તસવીરો યુદ્ધ કે અશાંતિનું પ્રતીક ગણાય છે.
જન્માષ્ટમી 2026 પૂજા મુહૂર્ત: 4 સપ્ટેમ્બર, 2026ના રોજ મધ્યરાત્રિએ બાલગોપાલના જન્મ સમયે રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના શુભ સંયોગમાં પૂજા-અર્ચના કરવી કલ્યાણકારી માનવામાં આવે છે.








