How to Keep Tulsi Plant Green and Healthy in Winter Care Tips: ઘરના આંગણા, બાલ્કની કે ટેરેસમાં રહેલો તુલસીનો છોડ શિયાળાની ઠંડી હવા, ઝાકળ અને ઘટતા તાપમાન સામે સંવેદનશીલ હોય છે. ઠંડી વધતાં જ ઘણીવાર છોડનાં પાંદડાં પીળાં પડવા લાગે છે અને ધીમે ધીમે ખરી પડે છે કે સુકાઈ જાય છે. જો શરૂઆતમાં જ ધ્યાન ન અપાય તો મૂળ અને ડાળીઓને પણ નુકસાન પહોંચી શકે છે. યોગ્ય વાતાવરણ અને નિયમિત સંભાળ રાખવામાં આવે તો કડકડતી ઠંડીમાં પણ તુલસીને લીલીછમ અને તાજી રાખી શકાય છે.
સવારનો પૂરતો તડકો અને રાત્રે સુરક્ષિત સ્થાન
શિયાળામાં તુલસીના સારા વિકાસ માટે દરરોજ લગભગ 4થી 6 કલાક સવારનો તડકો મળે તેવી જગ્યાએ કુંડું રાખવું હિતાવહ છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની દિશા મુજબ બાલ્કની કે ટેરેસમાં છોડનું સ્થાન બદલી શકાય છે. જોકે, સાંજ પછી અને રાત્રિના સમયે તાપમાન ખૂબ નીચું જાય ત્યારે ખુલ્લા અને ઠંડા પવનવાળા ખૂણામાં રાખવાને બદલે થોડી સુરક્ષિત જગ્યાએ ખસેડવું વધુ સારું રહે છે.
માટી તપાસીને જ પાણી આપો
શિયાળામાં તાપમાન ઓછું હોવાથી કુંડાની માટી ઉનાળા જેટલી ઝડપથી સુકાતી નથી. આ ઋતુમાં રોજ પાણી રેડવાથી માટીમાં વધુ પડતો ભેજ રહે છે, જેનાથી મૂળ સડવાનું જોખમ વધી શકે છે. પાણી આપતા પહેલાં આંગળીથી ઉપરની માટી તપાસો અને જો તે ભેજવાળી લાગે તો પાણી આપવાનું ટાળો. માટી થોડી સુકાય ત્યારે જ જરૂરિયાત પૂરતું પાણી આપો.
ઠંડા પવન અને હિમથી રક્ષણ
રાત્રિના સમયે સીધો ઠંડો પવન કે હિમ તુલસીના છોડને નુકસાન પહોંચાડી શકે છે. છોડને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો ઠંડો પવન ન આવતો હોય અને અતિશય ઠંડી હોય ત્યારે પાતળા, હવા અવરજવર થઈ શકે તેવા કપડા કે હળવા ગાર્ડનિંગ કવરથી ઢાંકી શકાય છે. દિવસ દરમિયાન તડકો આવે ત્યારે આ કવર દૂર કરવું જરૂરી છે જેથી છોડને પૂરતો પ્રકાશ અને તાજી હવા મળી રહે.
પાણીનો નિકાલ અને કુંડાને ઊંચું રાખવું
કુંડાના તળિયે ડ્રેનેજ માટે છિદ્રો હોવા જરૂરી છે જેથી વધારાનું પાણી સરળતાથી બહાર નીકળી શકે. કુંડાની નીચે રાખેલી પ્લેટમાં પાણી ભરાઈ રહે તો મૂળમાં સતત ભેજ રહે છે, તેથી તે પાણી સમયસર ખાલી કરવું જોઈએ. સાથે જ, જમીનની ઠંડક અને ભેજની સીધી અસર કુંડાના તળિયા પર ન પડે તે માટે કુંડાને ઈંટ, લાકડાના સ્ટેન્ડ કે પ્લાન્ટ સ્ટેન્ડ પર થોડું ઊંચું રાખવું ફાયદાકારક રહે છે.
હળવી કાપણી અને નિયમિત દેખરેખ
જો તુલસીના છોડ પર પીળાં કે સુકાઈ ગયેલાં પાંદડાં દેખાય તો સ્વચ્છ કાતરથી તેને સાવચેતીપૂર્વક દૂર કરો. એકસાથે વધુ પડતી લીલી ડાળીઓ કે પાંદડાં કાપવાનું ટાળીને જરૂર પૂરતી હળવી કાપણી કરવી યોગ્ય રહે છે. નિયમિત રીતે પાંદડાં, ડાળીઓ અને માટીની સ્થિતિ તપાસતા રહો, ડાઘ કે નબળાઈ દેખાય તો કારણ શોધીને યોગ્ય પગલાં લો અને શિયાળામાં બિનજરૂરી ખાતર કે વધુ પાણીનો ઉપયોગ ટાળો.








