Ujjain Khade Hanuman Ji Statue 1000 Years Old: મધ્ય પ્રદેશના ધાર્મિક નગરી ઉજ્જૈનમાં કંઠાલ ચોકથી છત્રી ચોક (બડા સરાફા માર્ગ) સુધી સિંહસ્થ 2028ની તૈયારીઓના ભાગરૂપે રસ્તો પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર સ્થિત પ્રસિદ્ધ 'ખડે હનુમાનજી' મંદિરનો મકાન અને ચાર દિવાલનો ભાગ રસ્તાના દબાણમાં આવતાં તેને હટાવવામાં આવ્યો છે. આ કામગીરી વચ્ચે હનુમાનજીની મૂર્તિ આશરે 1000 વર્ષ જૂની હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને હવે પુરાતત્વ વિભાગ અને ઈતિહાસકારોની મદદ લેવામાં આવી રહી છે.
1000 વર્ષ જૂની પ્રતિમા અને શિલ્પ શૈલીની તપાસ
પુરાતત્વ વિભાગ અને ઈતિહાસકારો હવે એ બાબતનો અભ્યાસ કરશે કે આ પ્રતિમા કયા કાળની શિલ્પ પરંપરા સાથે મેળ ખાતી આવે છે. પ્રતિમાની મુદ્રા, ચહેરાની બનાવટ, શરીરની સંરચના, આભૂષણો અને નિર્માણ શૈલીના આધારે આ પરમાણિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો મૂર્તિ 1000 વર્ષ જૂની સાબિત થાય છે, તો એ પણ સંશોધનનો વિષય બનશે કે 170 વર્ષ જૂના વર્તમાન મંદિર પહેલાં આ પ્રતિમા ક્યાં સ્થાપિત હતી.
મંદિરની દીવાલ તોડાતાં મૂર્તિ ટેન્ટમાં
સડક ચૌડીકરણની પ્રક્રિયા હેઠળ મંદિરની બહારની દીવાલ અને ભવનનો ભાગ હટાવી દેવાયો છે. હાલમાં ખડે હનુમાનજીની પ્રતિમાને અસ્થાયી રૂપે ટેન્ટ લગાવીને સુરક્ષિત રાખવામાં આવી છે. જોકે, આ ફેરફાર છતાં ભક્તોની આસ્થામાં કોઈ કમી આવી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા આસપાસના રાજ્યોમાંથી પણ હજારો ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં આ સ્થાન સતત ચર્ચામાં છે.
ચમત્કારના દાવા પર પ્રશાસન અને સંત સમાજનો પક્ષ
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ વાયરલ થઈ હતી કે મૂર્તિને ખસેડવાનો પ્રયાસ કરાતાં તે પોતાની જગ્યાએથી હલી નહોતી પરંતુ, જિલ્લા પ્રશાસને આ વાતોનું ખંડન કરતાં સ્પષ્ટ કર્યું છે કે, મશીનથી મૂર્તિ હટાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. બીજી તરફ, બુધવારે સંત સમાજ અને મહાનિર્મોહી અખાડાના મહંતોએ સ્થળ પર પૂજા-અર્ચના કરીને જનભાવનાઓનું સન્માન કરી મૂર્તિને મૂળ સ્થાને જ રાખવાની માંગ કરી છે.
ઉજ્જૈન સિંહસ્થ કુંભ અને પૌરાણિક મહત્વ અંગે વિશેષ માહિતી
સિંહસ્થ કુંભ 2028 (Ujjain Simhastha Kumbh): ઉજ્જૈન દર 12 વર્ષે ક્ષિપ્રા નદીના કિનારે યોજાતા કુંભમેળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 2028માં યોજાનારા આ મહાકુંભ માટે શહેરના માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ પહોળા કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે મોટા પાયે કામગીરી ચાલી રહી છે.
ઉજ્જૈનની પ્રાચીન શિલ્પકળા: ઉજ્જૈન (પ્રાચીન અવંતિકા) પરમાર વંશ અને રાજા વિક્રમાદિત્યના કાળથી સ્થાપત્ય અને મૂર્તિકળાનું મોટું કેન્દ્ર રહ્યું છે. પરમાર કાળ (10મી થી 13મી સદી) દરમિયાન બનેલી મૂર્તિઓની ચોક્કસ વિશિષ્ટતાઓ હોય છે, જેની સરખામણી આ ખડે હનુમાનજીની પ્રતિમા સાથે કરવામાં આવશે.








