Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી હિંદુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંની એક છે. દર વર્ષે ભક્તો મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરે છે. જોકે, વર્ષ 2026ની નવરાત્રી ખાસ રહેવાની છે. આ વર્ષે નવરાત્રી 9 નહીં પરંતુ 10 દિવસ સુધી ચાલશે. પંચાંગ અનુસાર સપ્તમી તિથિ બે દિવસ આવવાના કારણે આ વિશેષ સંયોગ બની રહ્યો છે. તો જાણો નવરાત્રીની શરૂઆત, ઘટસ્થાપનનું મુહૂર્ત અને 2026ના નોરતાની સંપૂર્ણ તારીખો.
આ વર્ષે નવરાત્રી 10 દિવસની કેમ રહેશે?
સામાન્ય રીતે આસો સુદ એકમથી નવમી સુધી નવરાત્રીનો પર્વ 9 દિવસનો હોય છે. પરંતુ 2026માં પંચાંગની ગણતરી મુજબ સપ્તમી તિથિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને તિથિ વૃદ્ધિ કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર સપ્તમી તિથિ 17 અને 18 ઓક્ટોબર એમ સતત બે દિવસ રહેશે. જેના કારણે નવરાત્રીનો સમયગાળો એક દિવસ વધીને 10 દિવસનો બનશે. આ વર્ષે શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થઈને 20 ઓક્ટોબર, વિજયાદશમીના દિવસે પૂર્ણ થશે.
11 ઓક્ટોબરે થશે ઘટસ્થાપન
આસો સુદ એકમની તિથિ 10 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:19 વાગ્યે શરૂ થઈને 11 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:31 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિની માન્યતા પ્રમાણે નવરાત્રીનો પ્રથમ દિવસ 11 ઓક્ટોબર, રવિવાર ગણાશે. આ દિવસે ભક્તો કળશ સ્થાપના કરીને મા શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્રીની શરૂઆત કરશે.
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત
11 ઓક્ટોબરે ઘટસ્થાપન માટે શુભ સમય:
સવારે 6:19થી 10:12 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત: સવારે 11:44થી બપોરે 12:31 વાગ્યા સુધી
જો સવારે ઘટસ્થાપન કરવું શક્ય ન હોય તો અભિજિત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકાય છે.
10 દિવસની નવરાત્રીનું શું છે ધાર્મિક મહત્ત્વ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર તિથિ વૃદ્ધિના કારણે નવરાત્રી 10 દિવસની બને ત્યારે તેને શુભ સંયોગ માનવામાં આવે છે. ભક્તોને મા દુર્ગાની ઉપાસના, જપ, તપ અને પાઠ માટે એક વધારાનો દિવસ મળે છે. જ્યોતિષીય માન્યતા મુજબ આવા સંયોગને સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે.
શારદીય નવરાત્રી 2026ની સંપૂર્ણ તારીખો
11 ઓક્ટોબર, રવિવાર: પ્રથમ નોરતું – મા શૈલપુત્રી
12 ઓક્ટોબર, સોમવાર: બીજું નોરતું – મા બ્રહ્મચારિણી
13 ઓક્ટોબર, મંગળવાર: ત્રીજું નોરતું – મા ચંદ્રઘંટા
14 ઓક્ટોબર, બુધવાર: ચોથું નોરતું – મા કુષ્માંડા
15 ઓક્ટોબર, ગુરુવાર: પાંચમું નોરતું – મા સ્કંદમાતા
16 ઓક્ટોબર, શુક્રવાર: છઠ્ઠું નોરતું – મા કાત્યાયની
17 ઓક્ટોબર, શનિવાર: સાતમું નોરતું – મા કાલરાત્રિ
18 ઓક્ટોબર, રવિવાર: આઠમું નોરતું – મા મહાગૌરી
19 ઓક્ટોબર, સોમવાર: નવમું નોરતું – મા સિદ્ધિદાત્રી
20 ઓક્ટોબર, મંગળવાર: વિજયાદશમી – દશેરા
નવરાત્રીના પૂજન મંત્ર
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે। શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।।
ૐ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની। દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે।।
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા। નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।।








