Sharadiya Navratri 2026 dates: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનું અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આ વર્ષે શ્રાદ્ધ પક્ષ (પિતૃ પક્ષ) ના સમાપન બાદ જ શારદીય નવરાત્રિની ભવ્ય શરૂઆત થઈ રહી છે. વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજ ઘટસ્થાપના સાથે થશે અને 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ સાથે તેનું સમાપન થશે. માં અંબેના ભક્તો માટે આ 9 દિવસો અત્યંત પવિત્ર ગણાય છે, જેમાં દરરોજ નવદુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિ 2026 તિથિ અને નવદુર્ગા પૂજન કેલેન્ડર
નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવાનો વિશેષ મહિમા છે. 2026ના નવરાત્રિ કેલેન્ડર મુજબ
11 ઓક્ટોબર, 2026(રવિવાર): એકમ (પ્રતિપદા) - ઘટસ્થાપના અને માં શૈલપુત્રી પૂજન
12 ઓક્ટોબર, 2026(સોમવાર): બીજ - માં બ્રહ્મચારિણી પૂજન
13 ઓક્ટોબર, 2026(મંગળવાર): ત્રીજ - માં ચંદ્રઘંટા પૂજન
14 ઓક્ટોબર, 2026(બુધવાર): ચોથ - માં કૂષ્માંડા પૂજન
15 ઓક્ટોબર, 2026(ગુરુવાર): પાંચમ - માં સ્કંદમાતા પૂજન
16 ઓક્ટોબર, 2026(શુક્રવાર): છઠ - માં કાત્યાયની પૂજન
17 ઓક્ટોબર, 2026(શનિવાર): સાતમ - માં કાલરાત્રિ પૂજન
19 ઓક્ટોબર, 2026(સોમવાર): મહા અષ્ટમી અને મહાનવમી - માં મહાગૌરી અને માં સિદ્ધિદાત્રી પૂજન
20 ઓક્ટોબર, 2026(મંગળવાર): વિજયાદશમી અને દશેરા
ઘરના પૂજા ઘરમાંથી ખંડિત મૂર્તિઓ અને જૂની તસવીરો દૂર કરો
નવરાત્રિ શરૂ થાય તે પહેલાં સૌથી પહેલાં ઘરમાં રહેલા પૂજા સ્થાન એટલે કે મંદિરની સફાઈ કરવી અનિવાર્ય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો પૂજા ઘરમાં દેવી-દેવતાઓની તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ, કાચ ફૂટેલી તસવીરો કે જૂના થઈ ગયેલા ફોટા પડ્યા હોય તો તેને તાત્કાલિક હટાવી દેવા જોઈએ. જો મૂર્તિ માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની હોય તો તેને કોઈ પવિત્ર વૃક્ષની નીચે કે કુંડામાં માટીમાં દાબી દેવી જોઈએ, અને ફોટાઓને નિયમપૂર્વક વહેતા જળમાં વિસર્જિત કરવા જોઈએ.
બગડેલી ઘડિયાળ અને બંધ ઈલેક્ટ્રોનિક સાધનો હટાવો
નવરાત્રિની સફાઈ કરતી વખતે ઘરમાં બંધ પડેલી ઘડિયાળો અને ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું. ધાર્મિક અને વાસ્તુ માન્યતા મુજબ, ઘરની બંધ ઘડિયાળ વ્યક્તિના ભાગ્ય અને પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. બગડેલા રેડિયો, ટીવી, લાઈટો કે અન્ય બંધ સાધનો નકારાત્મક ઊર્જા ફેલાવે છે, જેથી માતાજીના આગમન પહેલાં તેને રિપેર કરાવો અથવા ઘરની બહાર કાઢી નાખો.
ફાટેલાં કપડાં, જૂનાં પગરખાં અને તૂટેલાં વાસણો ઘર બહાર કરો
ઘણા લોકો ઘરમાં જૂના ફાટેલાં કપડાં, નકામા બૂટ-ચંપલ કે તૂટેલાં વાસણો લાંબા સમય સુધી સાચવી રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં તૂટેલા વાસણો અને તૂટેલા અરીસાને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આવા સામાનથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને આર્થિક મુશ્કેલીઓ વધે છે. તેથી નવરાત્રિ પહેલાં ઘરમાંથી તમામ તૂટેલા કાચ, ક્રેક થયેલા વાસણો અને જૂના પગરખાં બહાર ફેંકી દેવા જોઈએ.
તૂટેલી ઝાડુ અને ઈશાન ખૂણાની વિશેષ સફાઈના વાસ્તુ ઉપાયો
શાસ્ત્રોમાં ઝાડુને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો ઘરમાં તૂટેલી કે જૂની ખરાબ ઝાડુ હોય તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નવરાત્રિ પહેલાં તૂટેલી ઝાડુ બદલી નાખવી શુભ ગણાય છે. આ ઉપરાંત, ઘરના ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ દિશા) ને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આ ખૂણાને સંપૂર્ણપણે સ્વચ્છ, હળવો અને પવિત્ર રાખવો જોઈએ જેથી નવરાત્રિમાં માં અંબેના આશીર્વાદ અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો અખંડ વાસ રહે.








