Navratri 2026: શારદીય નવરાત્રીનો પાવન પર્વ આ વર્ષે 11 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. રવિવારે પ્રતિપદા તિથિએ ઘટસ્થાપન સાથે નવરાત્રીની શરૂઆત થશે. નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. 19 ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી અને મહાનવમી ઉજવાશે, જ્યારે 20 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવશે. શક્તિની આરાધનાના આ પર્વ દરમિયાન ભક્તો ઘરે તેમજ મંદિરોમાં માતાજીની પૂજા કરે છે અને ઘણા લોકો નવ દિવસ સુધી ઉપવાસ પણ રાખે છે.
નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થશે
શારદીય નવરાત્રી 11 ઓક્ટોબર, 2026ના રોજ શરૂ થશે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ઘટસ્થાપન માટે શુભ સમય સવારે 6:19થી 10:12 વાગ્યા સુધીનો છે. જો, કે સૂર્યોદય અને પૂજાના મુહૂર્તનો સમય શહેર અને સ્થાનિક પંચાંગ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
નવરાત્રી 2026ની મહત્વપૂર્ણ તારીખો:
11 ઓક્ટોબર: ઘટસ્થાપન અને માતા શૈલપુત્રીની પૂજા
12 ઓક્ટોબર: માતા બ્રહ્મચારિણીની પૂજા
13 ઓક્ટોબર: માતા ચંદ્રઘંટાની પૂજા
14 ઓક્ટોબર: માતા કુષ્માંડાની પૂજા
15 ઓક્ટોબર: માતા સ્કંદમાતાની પૂજા
16 ઓક્ટોબર: માતા કાત્યાયનીની પૂજા
17 ઓક્ટોબર: માતા કાલરાત્રિની પૂજા
18 ઓક્ટોબર: માતા મહાગૌરીની પૂજા
19 ઓક્ટોબર: દુર્ગા અષ્ટમી અને મહાનવમી
20 ઓક્ટોબર: વિજયાદશમી અથવા દશેરા
પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા
નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રી નામ ‘શૈલ’ એટલે કે પર્વત અને ‘પુત્રી’ એટલે દીકરી પરથી બન્યું છે. માતા શૈલપુત્રીને સતી ભવાની, માતા પાર્વતી અને હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ હિમાલય રાજની પુત્રી માનવામાં આવે છે. તેમના સ્વરૂપની સવારી નંદી છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાની પરંપરા છે.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના આ સ્વરૂપને માતા પાર્વતીના કુંવારા સ્વરૂપ સાથે જોડવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા હોય છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ સ્વરૂપ ચંદ્રઘંટા તરીકે ઓળખાયું હતું. ભગવાન શિવના મસ્તક પર રહેલો અર્ધચંદ્ર આ નામ સાથે જોડાયેલો છે. આ દિવસે ભૂરા રંગના વસ્ત્રો પહેરી શકાય છે.
ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા
નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ માતા કુષ્માંડા સિંહ પર સવાર હોય છે અને તેમને આઠ ભુજાઓ છે. માન્યતા અનુસાર માતાના આ સ્વરૂપના કારણે પૃથ્વી પર હરિયાળી અને જીવનનું સર્જન થયું છે. માતા કુષ્માંડાને નારંગી રંગ પ્રિય માનવામાં આવે છે.
પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા
પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે. તેથી સ્કંદની માતા હોવાના કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. માતાના આ સ્વરૂપને ચાર ભુજાઓ સાથે દર્શાવવામાં આવે છે. તેઓ પોતાના પુત્ર સ્કંદને સાથે લઈને સિંહ પર સવાર હોય છે. આ દિવસે સફેદ અને લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધના
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને દેવી દુર્ગાનું સ્વરૂપ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે લીલો રંગ શુભ માનવામાં આવે છે.
સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા
નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ઉગ્ર સ્વરૂપ તરીકે ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરી શકાય છે.
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા
નવરાત્રીના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે દુર્ગા અષ્ટમીની પણ ઉજવણી કરવામાં આવે છે. અનેક મંદિરો અને ઘરોમાં અષ્ટમીના દિવસે હવન, યજ્ઞ અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા
નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર માતાના આ સ્વરૂપની આરાધના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે. આ દિવસે રીંગણી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
19 ઓક્ટોબરે અષ્ટમી-મહાનવમી, 20મીએ દશેરા
આ વર્ષે દુર્ગા અષ્ટમી અને મહાનવમી બંને 19 ઓક્ટોબરે આવશે. અષ્ટમીના દિવસે માતા મહાગૌરી અને નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. અનેક ઘરોમાં કન્યા પૂજન, હવન અને વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારબાદ 20 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરાની ઉજવણી થશે.
નવરાત્રીની પૂજા અને ધાર્મિક મહત્વ
નવરાત્રીને શક્તિની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે. નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરીને ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન માતાની ભક્તિભાવપૂર્વક પૂજા, ઉપવાસ, જાપ અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે છે. નવ દિવસ સુધી માતાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનો હેતુ શક્તિ, જ્ઞાન, ધૈર્ય અને સકારાત્મક ઊર્જાની આરાધના સાથે જોડાયેલો છે. આ પર્વ દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા, આરતી, હવન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જ્યારે અનેક ભક્તો ઘરે પણ ઘટસ્થાપન કરીને નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે.








