Kevda Trij 2026 Date: અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના માટે કરવામાં આવતું કેવડા ત્રીજનું વ્રત ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુ અને સુખી દાંપત્યજીવન માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરે છે. જ્યારે કુંવારિકાઓ મનગમતો અને યોગ્ય જીવનસાથી મેળવવાની કામના સાથે આ વ્રત રાખે છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં આ પર્વ 'હરતાલિકા તીજ' તરીકે ઓળખાય છે, જ્યારે ગુજરાતમાં તેને 'કેવડા ત્રીજ' તરીકે પ્રચલિત રીતે ઉજવવામાં આવે છે.
કેવડા ત્રીજ 2026 ક્યારે છે?
હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ભાદરવા સુદ ત્રીજની તિથિ 13 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:08 વાગ્યે શરૂ થશે અને 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે પૂર્ણ થશે. વ્રત અને તહેવારો માટે સૂર્યોદય સમયે રહેલી તિથિ એટલે કે ઉદયા તિથિને માન્યતા આપવામાં આવે છે. આ કારણે વર્ષ 2026માં કેવડા ત્રીજનું વ્રત 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાખવામાં આવશે.
કેવડા ત્રીજ 2026નું શુભ પૂજા મુહૂર્ત
કેવડા ત્રીજના દિવસે વહેલી સવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. 14 સપ્ટેમ્બરે પ્રાતઃકાળ પૂજા માટેનો શુભ સમય સવારે 6:26થી 7:06 વાગ્યા સુધી રહેશે. એટલે કે પૂજા માટે કુલ 41 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બ્રહ્મ મુહૂર્ત સવારે 4:52થી 5:39 વાગ્યા સુધી, પ્રાતઃ સંધ્યા સવારે 5:16થી 6:26 વાગ્યા સુધી અને અભિજિત મુહૂર્ત બપોરે 12:10થી 1:00 વાગ્યા સુધી રહેશે. જો સવારે પૂજા કરવી શક્ય ન બને તો સાંજના પ્રદોષકાળમાં પણ શિવ-પાર્વતીની પૂજા કરી શકાય છે.
કેવડા ત્રીજનું ધાર્મિક મહત્વ શું છે?
કેવડા ત્રીજ સાથે અનેક પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર, બ્રહ્માજીના એક અસત્યમાં કેવડાના પુષ્પે ખોટી સાક્ષી આપી હતી. આ વાતથી ક્રોધિત થઈ ભગવાન શિવે પોતાની પૂજામાં કેવડાના પુષ્પનો સ્વીકાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવાની વિશેષ પરંપરા છે. આ જ વિશેષતાના કારણે આ પર્વને 'કેવડા ત્રીજ' તરીકે ઓળખવામાં આવે છે. બીજી પૌરાણિક કથા અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે ઘનઘોર જંગલમાં જઈને કઠોર તપસ્યા કરી હતી. તેમની અડગ ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા. આ માન્યતાને કારણે મહિલાઓ સુખી દાંપત્યજીવન અને અખંડ સૌભાગ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખે છે.
હરતાલિકા ત્રીજ સાથે શું છે સંબંધ?
કેવડા ત્રીજને ઉત્તર ભારતમાં 'હરતાલિકા તીજ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 'હરતાલિકા' શબ્દ 'હરત' અને 'આલિકા' એમ બે શબ્દોથી બનેલો છે. 'હરત'નો અર્થ અપહરણ અને 'આલિકા'નો અર્થ સ્ત્રી મિત્ર અથવા સખી થાય છે. પૌરાણિક કથા અનુસાર, માતા પાર્વતીના પિતા તેમની ઇચ્છા વિરુદ્ધ તેમના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરાવવા માંગતા હતા. ત્યારે માતા પાર્વતીની સખી તેમને ગુપ્ત રીતે જંગલમાં લઈ ગઈ હતી. ત્યારબાદ માતા પાર્વતીએ ત્યાં ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.
કેવડા ત્રીજની પૂજા માટે કઈ સામગ્રી જોઈએ?
કેવડા ત્રીજની પૂજા માટે સૌપ્રથમ ભગવાન શિવનું શિવલિંગ બનાવવા માટે કાળી અથવા શુદ્ધ માટીની જરૂર પડે છે. આ ઉપરાંત કેવડાનું ફૂલ અથવા પાન, શમીના પાન, બીલીપત્ર, ભાંગ અને ધતૂરો રાખવો જોઈએ. પૂજા માટે કાચા સૂતરની જનોઈ, ચંદન, કંકુ, અક્ષત એટલે કે ચોખા, દીવો, ધૂપ અને ઘી પણ જરૂરી છે. સાથે ફળ, ફૂલ, નૈવેદ્ય અને પ્રસાદ માટે કાકડી રાખવામાં આવે છે. માતા પાર્વતીને અર્પણ કરવા માટે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી સહિતની સૌભાગ્યની વસ્તુઓ પણ રાખી શકાય છે.
કેવડા ત્રીજની પૂજા વિધિ કેવી રીતે કરવી?
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. પરિણીત મહિલાઓએ પૂજા સમયે સૌભાગ્યના પ્રતીકો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ હાથમાં જળ લઈને શ્રદ્ધાપૂર્વક વ્રતનો સંકલ્પ લેવો. શુભ મુહૂર્તમાં શુદ્ધ માટી અથવા રેતીમાંથી ભગવાન શિવનું શિવલિંગ તેમજ માતા પાર્વતી અને વિઘ્નહર્તા ગણેશજીની અસ્થાયી પ્રતિમા બનાવી તેમની સ્થાપના કરવી. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવી. ભગવાન શિવને બીલીપત્ર, ધતૂરો, ભાંગ, ફૂલ અને વિશેષ રીતે કેવડાનું પાન અર્પણ કરવું. માતા પાર્વતીને બંગડી, સિંદૂર, ચુંદડી અને અન્ય સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરવી. પૂજા દરમિયાન કેવડા ત્રીજની વ્રત કથાનું પઠન અથવા શ્રવણ કરવું અને ગૌરીશંકર પાસે અખંડ સૌભાગ્ય તથા સુખી દાંપત્યજીવનની કામના કરવી.
કેવડા ત્રીજના વ્રતના નિયમો શું છે?
કેવડા ત્રીજના દિવસે મોટાભાગની મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. એટલે કે આખો દિવસ અને રાત પાણી સહિત કોઈપણ વસ્તુનું સેવન કર્યા વિના વ્રત રાખવાની પરંપરા છે. જોકે, સ્વાસ્થ્ય અથવા અન્ય કારણોસર નિર્જળા વ્રત રાખવું શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળનું સેવન કરી શકાય છે. પરંપરા અનુસાર કંઈપણ ગ્રહણ કરતા પહેલાં ભગવાન શિવને અર્પણ કરેલું કેવડાનું પાન સુંઘવાનો વિશેષ નિયમ પણ માનવામાં આવે છે. આ વ્રતમાં રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ છે. રાત્રે શિવ સ્મરણ અને ભજન-પૂજન સાથે જાગરણ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે ફરી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કર્યા બાદ વિધિપૂર્વક વ્રતના પારણાં કરવામાં આવે છે. ત્યારબાદ માટીમાંથી બનાવેલી શિવ-પાર્વતી અને અન્ય પ્રતિમાઓનું જળમાં વિસર્જન કરવામાં આવે છે.








