Govardhan Puja 2026 Date: દિવાળીના પર્વ બાદ ગોવર્ધન પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સાથે ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે. તેને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં કારતક સુદ એકમની તિથિ બે દિવસ સુધી હોવાથી ગોવર્ધન પૂજાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં જાણીએ કે આ વર્ષે ગોવર્ધન પૂજા 9 કે 10 નવેમ્બરે કરવામાં આવશે, પૂજાનો શુભ સમય કયો છે અને કઈ રીતે કરવી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના.
ગોવર્ધન પૂજા 2026 ક્યારે છે? 9 કે 10 નવેમ્બરે?
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. આ પર્વને અન્નકૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં ગોવર્ધન પૂજા મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. પ્રતિપદા તિથિ 9 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે શરૂ થઈને 10 નવેમ્બરના રોજ બપોરે આશરે 2 વાગ્યા સુધી રહેશે. તિથિ બે દિવસ સુધી ચાલતી હોવાથી કેટલીક જગ્યાએ 9 નવેમ્બરની તારીખ પણ જોવા મળે છે. જોકે, ગુજરાતમાં પ્રચલિત પંચાંગ મુજબ 10 નવેમ્બરની સવારે ગોવર્ધન પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
ગોવર્ધન પૂજા 2026નું શુભ મુહૂર્ત
વર્ષ 2026માં ગોવર્ધન પૂજા માટે સવાર અને સાંજના શુભ સમય ઉપલબ્ધ છે. ગુજરાતમાં પ્રચલિત પંચાંગ મુજબ પૂજાના સમય નીચે પ્રમાણે છે.
તારીખ: મંગળવાર, 10 નવેમ્બર 2026
સવારનું શુભ મુહૂર્ત: સવારે 6:40થી 8:50 વાગ્યા સુધી
સાંજનું શુભ મુહૂર્ત: બપોરે 3:44થી સાંજે 5:58 વાગ્યા સુધી
પ્રતિપદા તિથિ શરૂ: 9 નવેમ્બર, બપોરે 12:31 વાગ્યે
પ્રતિપદા તિથિ પૂર્ણ: 10 નવેમ્બર, બપોરે 2:00 વાગ્યે
નોંધનીય છે કે શહેર પ્રમાણે સૂર્યોદય અને સ્થાનિક પંચાંગની ગણતરીને કારણે મુહૂર્તમાં થોડા મિનિટનો તફાવત હોઈ શકે છે. તેથી પોતાના શહેરનું પંચાંગ પણ તપાસવું જરૂરી છે.
ગોવર્ધન પૂજા માટે જરૂરી સામગ્રી
ગોવર્ધન પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવાની સાથે ગોવર્ધન પર્વતનું પ્રતીકાત્મક સ્વરૂપ બનાવવામાં આવે છે. આ પૂજા માટે નીચેની સામગ્રીની જરૂર પડે છે.
ગાયનું છાણ
રોલી, કંકુ અને ચોખા
ફૂલ અને ફૂલની માળા
ગંગાજળ અને કલશ
ધૂપ, દીવો અને કપૂર
ઘી અને સરસવનું તેલ
દહીં, મધ અને ગોળ
મીઠાઈ અને ખીર
ફળ અને પાન
કેસર અને અક્ષત
ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા તસવીર
ગોવર્ધન પૂજાની કથા પુસ્તક
અન્નકૂટ માટે વિવિધ પ્રકારની વાનગીઓ
ગોવર્ધન પૂજાની સંપૂર્ણ વિધિ:
સવારે સ્નાન કરીને પૂજાની તૈયારી કરો
વર્ધન પૂજાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવાં. ત્યારબાદ ઘરના આંગણામાં અથવા પૂજાસ્થળે પૂજાની તૈયારી કરવી.ગાયના છાણથી ગોવર્ધન પર્વત બનાવો
પૂજાસ્થળે ગાયના છાણથી ગોવર્ધન પર્વતનું પ્રતીકાત્મક સ્વરૂપ બનાવવું. તેને ફૂલ, પાન અને અન્ય પૂજા સામગ્રીથી સુંદર રીતે સજાવવું.ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
ગોવર્ધન પર્વતની સામે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી. ત્યારબાદ ભગવાનને ચંદન, કંકુ, અક્ષત અને ફૂલ અર્પણ કરવાં.ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરો
ધૂપ અને દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરવી. ત્યારબાદ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું.ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવો
આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ, મીઠાઈઓ, ફળો અને અનાજનો ભોગ ધરાવવામાં આવે છે. આ ભોગને અન્નકૂટ તરીકે ઓળખવામાં આવે છે.કથા સાંભળીને આરતી કરો
પૂજાના અંતે ગોવર્ધન પૂજાની કથા સાંભળવી અથવા વાંચવી. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરીને પરિવારના સભ્યોમાં પ્રસાદનું વિતરણ કરવું.ગોવર્ધન પૂજાના મંત્ર
ગોવર્ધન પૂજા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની આરાધના માટે નીચેના મંત્રોનો જાપ કરી શકાય છે.
ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર:
ॐ नमो भगवते वासुदेवाय।
ગોવર્ધન પર્વતનો મંત્ર:
ॐ श्री गोवर्धनाय नमः।
આ મંત્રોનો જાપ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્ત્વ શું છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે ગોકુળવાસીઓને ભગવાન ઇન્દ્રના કોપથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. સતત વરસાદથી બચવા માટે ગોકુળના લોકો અને ગાયો આ પર્વતની નીચે આશરો લઈ શક્યાં હતાં.આ પ્રસંગની યાદમાં ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ગાય, પ્રકૃતિ અને અન્ન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. અન્નકૂટનો ભોગ ધરાવવાની પરંપરા પણ આ પર્વ સાથે જોડાયેલી છે.








