UP Election Update: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ અંગે વાતચીત ચાલી રહી છે, પરંતુ બંને પક્ષો વચ્ચે બેઠકોની સંખ્યાને લઈને મોટો તફાવત સામે આવ્યો છે. અહેવાલો મુજબ, કોંગ્રેસે પહેલાં 181 બેઠકોની યાદી સોંપી હતી અને ત્યારબાદ માંગ ઘટાડીને 130 બેઠક કરી છે, જ્યારે સપા તરફથી કોંગ્રેસને માત્ર 26 બેઠક આપવાનો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સપાના આ પ્રસ્તાવમાં ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાં એકપણ બેઠક આપવામાં નથી આવી, જ્યારે અમેઠી જિલ્લાની માત્ર એક જ બેઠક જગદીશપુરની ઓફર કરવામાં આવી છે.
સપાએ કોંગ્રેસને કઈ 26 બેઠકોની ઓફર કરી?
સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જે 26 બેઠકો આપવાની યોજના બનાવી છે, તેમાં રામપુર ખાસ, ફરેંદા, મથુરા, ખેરાગઢ, જગદીશપુર, કિદવઈ નગર, બાગપત, મોદીનગર, હાપુડ, જેવર, સ્યાના, ખુર્જા, ખૈર, ઈગલાસ, માંટ, આગરા ઉત્તર, ફતેહપુર સિકરી, બિલગ્રામ-મલ્લાવાં, ગોવિંદ નગર, નાનપારા, ગોરખપુર શહેર, ખજની, પડરૌના, ફાઝિલનગર, પિંડરા અને વારાણસી કેન્ટનો સમાવેશ થાય છે.
26 બેઠક કોંગ્રેસને આપીઃ રામગોપાલ યાદવ
આ અંગે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે મંગળવારે સંકલન સમિતિની બેઠક પહેલાં નિવેદન આપતા જણાવ્યું કે, "સપાએ કોંગ્રેસને 26 બેઠકો આપી દીધી છે. તેમાં 2 જીતેલી અને 4 એવી બેઠક છે, જ્યાં કોંગ્રેસ બીજા નંબરે હતી. આ ઉપરાંત અન્ય 20 બેઠકો પર સપાએ 60-70 હજાર મત મેળવ્યા હતા અને કોંગ્રેસને 2000 મત મળ્યા હતા, તેમ છતાં અમે તે બેઠકો કોંગ્રેસને આપી રહ્યા છીએ."
રાયબરેલી-અમેઠીની 10માંથી માત્ર 1 બેઠકનો પ્રસ્તાવ
રાયબરેલી અને અમેઠી બંને જિલ્લા ગાંધી પરિવારની રાજકીય ઓળખ સાથે જોડાયેલા રહ્યા છે. રાયબરેલીથી રાહુલ ગાંધી લોકસભા સાંસદ છે, જ્યારે અમેઠીથી ગાંધી પરિવારના નજીકના કે.એલ. શર્મા સાંસદ છે. કોંગ્રેસ આ બંને જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકોમાંથી 8 બેઠકો પર પોતાનો દાવો કરી રહી છે, પરંતુ સપાના પ્રસ્તાવમાં રાયબરેલીની એક પણ બેઠક સામેલ નથી અને અમેઠીમાં માત્ર જગદીશપુર બેઠકની ઓફર કરવામાં આવી છે.
રાયબરેલીની 6 બેઠકો પર સપા અને કોંગ્રેસના પોતપોતાના તર્ક
રાયબરેલી જિલ્લામાં કુલ છ વિધાનસભા બેઠકો છે—બછરાવાં, હરચંદપુર, રાયબરેલી સદર, સરેની, ઊંચાહાર અને સલોન.
2022 નું સમીકરણ
ગત વિધાનસભા ચૂંટણીમાં સપાએ બછરાવાં, હરચંદપુર, ઊંચાહાર અને સરેની એમ 4 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે રાયબરેલી સદર અને સલોન બેઠક પર જીત મેળવી હતી. સલોન બેઠક પર સપા ખૂબ ઓછા મતોથી હારી હતી, જ્યારે ઊંચાહારથી સપાની ટિકિટ પર જીતેલા મનોજ પાંડે બાદમાં ભાજપમાં જોડાયા હતા.
બંને પક્ષોની દલીલ
સપાનું માનવું છે કે જે બેઠકો પર તેના ઉમેદવારો જીત્યા છે તે કોંગ્રેસ માટે છોડવી સરળ નથી. બીજી તરફ કોંગ્રેસનો તર્ક છે કે રાહુલ ગાંધીની સંસદીય હાજરી અને ગાંધી પરિવારના જોડાણને જોતા પાર્ટી અહીં ચૂંટણી લડવા માંગે છે અને તેના માટે કોંગ્રેસે સ્વામી પ્રસાદ મૌર્યને પણ સાથે જોડ્યા છે, જેમનો રાયબરેલીમાં રાજકીય આધાર છે.
અમેઠીમાં પણ માત્ર જગદીશપુરની ઓફર
અમેઠી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો—અમેઠી, ગૌરીગંજ, જગદીશપુર અને તિલોઈમાંથી 2022 માં અમેઠી અને ગૌરીગંજ સપાએ જીતી હતી, જ્યારે જગદીશપુર અને તિલોઈ ભાજપના ખાતામાં ગઈ હતી. સપાએ કોંગ્રેસને માત્ર જગદીશપુર બેઠકની ઓફર કરી છે, જ્યાં કોંગ્રેસનો અગાઉ મજબૂત ઈતિહાસ રહ્યો છે, પરંતુ અમેઠી અને ગૌરીગંજ પર સપા દાવો છોડવા તૈયાર જણાતી નથી.
130 VS 26: ગઠબંધનની કસોટી
કોંગ્રેસ 2024 ની લોકસભા ચૂંટણી માં સપા સાથેના ગઠબંધનથી મળેલી 6 બેઠકોની જીતને આધાર બનાવીને વિધાનસભામાં સન્માનજનક હિસ્સેદારી માંગી રહી છે. જ્યારે સમાજવાદી પાર્ટી 2022 ની વિધાનસભા ચૂંટણીના પરિણામો, પોતાના વર્તમાન ધારાસભ્યોની બેઠકો બચાવવા અને ઉમેદવારોની જીતવાની ક્ષમતાના આધારે સીટ શેરિંગ કરવા માંગે છે. હાલ બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ હોવાથી પ્રસ્તાવમાં ફેરફારની શક્યતા યથાવત છે, પરંતુ રાયબરેલી અને અમેઠીની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સહમતિ કેવી રીતે સધાય છે તેના પર સૌની નજર રહેશે.








