Volodymyr Zelenskyy Security Threat: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીનું વિમાન મોલ્ડોવાથી નોર્વે માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે એક ડ્રોન સાથે અથડાતાં બચી ગયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે રાષ્ટ્રપતિની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી હોવાની ચર્ચા છે. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ બુધવારે (9 સપ્ટેમ્બર) સરકારી પ્રસારણકર્તા NRK સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
મોલ્ડોવાથી ઉડાન દરમિયાન સર્જાયો સુરક્ષા ખતરો
ઝેલેન્સ્કી નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પાંચમાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઓસ્લો જઈ રહ્યા હતા. વડાપ્રધાન સ્ટોરેએ જણાવ્યું હતું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે ઝેલેન્સ્કીનું વિમાન એક ડ્રોનની લગભગ ચપેટમાં આવી ગયું હતું. જોકે, યુક્રેનના અધિકારીઓ તરફથી હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મોલ્ડોવાના હવાઈ ક્ષેત્રમાં ડ્રોનનો ખતરો હોવાના કારણે ઝેલેન્સ્કીની ઓસ્લો જતી ફ્લાઇટમાં પણ વિલંબ થયો હતો. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે પણ NRKને આ અંગે માહિતી આપી હતી.
ડ્રોનના ખતરાને કારણે ફ્લાઇટમાં થયો વિલંબ
વોલોદિમિર ઝેલેન્સ્કી મંગળવારે (8 સપ્ટેમ્બર) સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચી ગયા હતા. તેઓ મોલ્ડોવાથી રવાના થઈને રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં સામેલ થવા નોર્વે પહોંચ્યા હતા. આ સમારોહમાં વિશ્વભરના અનેક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહી હતી. નોર્વે પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સાથે પણ મુલાકાત કરી હતી. ડ્રોનના ખતરાને કારણે તેમની ફ્લાઇટમાં વિલંબ થયો હોવાની માહિતી સામે આવી છે.
નોર્વેના નાણામંત્રીએ પણ કરી ઘટનાની પુષ્ટિ
નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ઓસ્લો પહોંચ્યા બાદ થોડા સમય પછી ઝેલેન્સ્કીએ પોતે તેમને આ ઘટના વિશે માહિતી આપી હતી. સ્ટોલ્ટેનબર્ગના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કીએ તેમની સાથેની બેઠક દરમિયાન ફ્લાઇટમાં થયેલા વિલંબ અને કેટલીક સુરક્ષા સંબંધિત સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. જોકે, નાણામંત્રીએ કહ્યું કે તેમની પાસે આ ઘટનાની વધુ વિગતો નહોતી. તેમણે ઉમેર્યું કે ઝેલેન્સ્કીને ત્યાંથી બહાર નીકળવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યુક્રેનની બહાર મુસાફરી કરવી ક્યારેય સરળ નથી. તેમ છતાં, તેમણે રાજાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જરૂરી સમય અને પ્રયાસ કર્યા.
રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ઝેલેન્સ્કી
સુરક્ષા જોખમો વચ્ચે પણ અંતિમ સંસ્કારમાં ઝેલેન્સ્કીની હાજરી મહત્વપૂર્ણ રહી હતી. NRK અનુસાર, નાણામંત્રી સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે બુધવારે રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કાર દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિને વિશ્વના અન્ય નેતાઓ સાથે ચાલતા જોવું પ્રભાવશાળી હતું. અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિવંગત રાજા હેરાલ્ડને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે યુક્રેન નોર્વે તરફથી મળેલી મદદ માટે હંમેશા આભારી રહેશે. આ સહયોગ માત્ર નોર્વેની સરકાર તરફથી જ નહીં, પરંતુ શાહી પરિવાર અને નોર્વેના લોકો તરફથી પણ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું.








