Yamuna Expressway Bus Fire: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવાર મોડી રાત્રે એક સ્લીપર બસમાં ભીષણ આગ લાગતાં હાહાકાર મચી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બચવાનો સમય પણ મળ્યો નહોતો. અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. કેટલાક મુસાફરોએ બસની બારીઓ અને દરવાજામાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બસમાં 35થી લઈને 40-50 જેટલા મુસાફરો હોવાના અલગ-અલગ અહેવાલો સામે આવ્યા છે.
જેવર પાસે સર્જાયો ભીષણ અગ્નિકાંડ
આ દુર્ઘટના યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી આશરે 32 કિલોમીટર આગળ જેવર પોલીસ સ્ટેશન વિસ્તારના દયાનતપુર ગામ નજીક બની હતી. અહેવાલો અનુસાર બસ નોઈડાથી મહોબા તરફ જઈ રહી હતી. બસમાં આગ લાગતાં જ અંદર ધુમાડો ફેલાઈ ગયો અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકોએ પોતાની જિંદગી બચાવવા માટે બસમાંથી કૂદકો માર્યો હતો.
આગ કાબૂમાં, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને એક્સપ્રેસવેની સુરક્ષા ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને બસને સંપૂર્ણપણે ઠંડી કરવા માટે કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂઆતના અહેવાલોમાં કેટલાક મુસાફરો બસની અંદર ફસાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગનું કારણ હજુ સ્પષ્ટ નથી
હાલ સુધી બસમાં આગ કયા કારણોસર લાગી તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને બસમાં સવાર મુસાફરો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. કેટલાક સ્થાનિક અહેવાલોમાં બસમાંથી ફટાકડા ફૂટવા જેવી અવાજો સંભળાયા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
CM યોગી આદિત્યનાથે વ્યક્ત કરી સંવેદના
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડવા તથા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા પણ નિર્દેશ આપ્યા છે.








