West Bengal and First PM Nehru Statue News: પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા ઉખાડીને નજીકના જંગલમાં ફેંકી દેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસે આ ઘટનાની આકરી ટીકા કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પ્રતિમાને ફરી મૂળ સ્થળે સ્થાપિત કરવાની માગ કરી છે.
ક્રેનની મદદથી પ્રતિમા ઉખાડીને જંગલમાં ફેંકી
મળતી માહિતી મુજબ, દુર્ગાપુરમાં હર્ષવર્ધન પ્રાઇમરી સ્કૂલ નજીક આવેલા મેડિટેશન સેન્ટરની સામે પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ક્રેનની મદદથી ઉખાડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ નજીકના જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને આ કૃત્યની નિંદા કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
કોંગ્રેસે દોષિતોની ધરપકડની માગ કરી
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શુભાંકર સરકારે ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે વહીવટીતંત્રને જવાબદારોની ઓળખ કરી તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે આવી ઘટના માત્ર એક પ્રતિમાને નુકસાન પહોંચાડવા પૂરતી નથી, પરંતુ દેશના ઇતિહાસ અને લોકશાહી મૂલ્યો સાથે પણ જોડાયેલી છે.
‘રાજકીય મતભેદો હોઈ શકે, અપમાન નહીં’
કોંગ્રેસ નેતૃત્વએ કહ્યું છે કે રાજકીય વિચારધારામાં મતભેદ હોવા સ્વાભાવિક છે, પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા નેતાઓનું અપમાન સ્વીકારી શકાય નહીં. પાર્ટીએ આ ઘટનાને ઇતિહાસ સાથે જોડાયેલા સ્મારકો અને રાષ્ટ્રીય નેતાઓ પ્રત્યેના સન્માનના મુદ્દા સાથે પણ સાંકળી છે.
કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
દુર્ગાપુર જિલ્લા કોંગ્રેસ કમિટીએ વહીવટીતંત્ર સમક્ષ નેહરુની પ્રતિમાને સન્માનપૂર્વક ફરી મૂળ સ્થળે સ્થાપિત કરવાની માગ કરી છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો જવાબદારો સામે ઝડપથી કાર્યવાહી નહીં થાય અને પ્રતિમા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો પાર્ટી દ્વારા મોટું લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી પર નજર છે. ઘટનાની પાછળ કોણ જવાબદાર છે અને પ્રતિમા કયા સંજોગોમાં હટાવવામાં આવી હતી તે અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.








