West Bengal Assembly Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યની સત્તા કોના હાથમાં જશે તેનો ફેંસલો કરવા માટે આજે સાત જિલ્લાઓની 142 બેઠકો પર 3.21 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કાના ઐતિહાસિક 93.19 ટકા મતદાન બાદ આજે બીજા તબક્કામાં પણ સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
મતદાનના આંકડા અને વ્યવસ્થા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,64,35,627 પુરુષો અને 1,57,37,418 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 792 તૃતીય લિંગ મતદારો પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. ચૂંટણીને પારદર્શક બનાવવા માટે 41,001 મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સલામતીના દૃષ્ટિકોણથી, કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં જ તૈનાત છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. 142 સામાન્ય નિરીક્ષકો અને 95 પોલીસ નિરીક્ષકો સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે.
દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ
આજના તબક્કામાં પશ્ચિમ બંગાળના રાજકારણના સૌથી મોટા ચહેરાઓ મેદાનમાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી ભબાનીપુર બેઠક પર આમને-સામને છે, જે સમગ્ર રાજ્યની સૌથી હાઈ-પ્રોફાઈલ બેઠક બની રહી છે. આ સિવાય ફિરહાદ હકીમ, સુજીત બોઝ, જ્યોતિપ્રિયા મલ્લિક અને ભાજપ તરફથી સ્વપન દાસગુપ્તા, રુદ્રનીલ ઘોષ તથા અર્જુન સિંહ જેવા નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ તબક્કામાં નસીબ અજમાવી રહ્યા છે.
પીએમ મોદી અને અમિત શાહની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા બંગાળની જનતાને રેકોર્ડ મતદાન કરવા વિનંતી કરી છે. તેમણે ખાસ કરીને યુવાનો અને મહિલાઓને લોકશાહીને જીવંત બનાવવા માટે આગળ આવવા આહ્વાન કર્યું છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'સોનાર બાંગ્લા'ના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર અને ઘુસણખોરી મુક્ત બંગાળ બનાવવા માટે લોકોને મત આપવા અપીલ કરી છે. રાજ્યપાલ આર.એન. રવિએ પણ શાંતિપૂર્ણ મતદાન માટે મતદારોને પ્રોત્સાહિત કર્યા છે.
હિંસા અને આક્ષેપબાજીનો દોર
મતદાન શરૂ થતાની સાથે જ અનેક જગ્યાએ અંધાધૂંધીના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. નાદિયાના છાપરા વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે ટીએમસી કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. આ હિંસામાં સરકારને માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપનો આક્ષેપ છે કે તેમના પોલિંગ એજન્ટોને બૂથમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ મતદાન કર્યા બાદ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 27 લાખ મતદારોના નામ જાણીજોઈને કાઢી નાખવામાં આવ્યા છે. મોઈત્રાએ જણાવ્યું કે, લોકો આ અન્યાયનો બદલો લેવા માટે જ મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે.
સેલિબ્રિટીઝનું મતદાન
ફિલ્મ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બેલગાછિયામાં પોતાનો મત આપ્યો હતો. તેમની એક ઝલક મેળવવા માટે મતદાન મથક બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત દિનેશ ત્રિવેદી અને અર્જુન સિંહ જેવા નેતાઓએ પણ વહેલી સવારે મતદાન કરી નાગરિકોને સંદેશ આપ્યો હતો.
હવામાનનો મિજાજ અને પડકારો
મતદાન પ્રક્રિયા વચ્ચે હવામાન વિભાગે (IMD) દક્ષિણ બંગાળમાં આગામી પાંચ દિવસ માટે વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આજે ૨૯ એપ્રિલના રોજ પણ પવન ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે અંતરિયાળ વિસ્તારોમાં મતદાનની ટકાવારી પર અસર પડી શકે છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ મતદાન ચાલુ રહે તે માટે વધારાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ તબક્કો તૃણમૂલ કોંગ્રેસ માટે સત્તા ટકાવી રાખવાનો અને ભાજપ માટે પરિવર્તન લાવવાનો છેલ્લો અને સૌથી મહત્વનો મોકો છે. આજના મતદાન બાદ બંગાળની જનતાનો ચુકાદો શું રહેશે તે આગામી પરિણામોના દિવસે સ્પષ્ટ થશે.








