Uttarakhand Road Accidents: ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસમાં થયેલા બે ભીષણ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. બંને દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. સોમવારે રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન આશરે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર પાસે મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી નીચે પાણીમાં ખાબકતાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રુદ્રપ્રયાગમાં બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 4નાં મોત
રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર સોમવારે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બોલેરો વાહન અચાનક અનિયંત્રિત થઈને રસ્તા પરથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત સમયે વાહનમાં કુલ 10 લોકો સવાર હતા. તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અંધારામાં SDRF અને પોલીસનું રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્માતની જાણ થતાં જ જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ DDRF, SDRF અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે ભારે અંધારું અને ઊભા ખડકો હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, જવાનોએ રાત્રે મોડા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. સ્ટ્રેચરની મદદથી તમામ છ ઘાયલોને ખીણમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી નીચે પાણીમાં ખાબકી
સોમવારની દુર્ઘટના બાદ મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર પાસે વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 30થી 35 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં કુલ આઠ લોકોનાં મોત થયાં છે. જેમાંથી સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિએ AIIMSમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
SDRFની વધારાની ટીમો તૈનાત, અકસ્માતનાં કારણોની તપાસ
બસ દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની વ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. SDRF કમાન્ડન્ટના આદેશ અનુસાર બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે વધારાની ટીમો પણ મોકલવામાં આવી હતી. હાલમાં ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત છે. તંત્ર દ્વારા બસ કયા કારણોસર બેકાબૂ બની અને પુલ પરથી નીચે ખાબકી તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડમાં માત્ર બે દિવસના ગાળામાં બનેલી આ બે દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત અને 24 લોકો ઘાયલ થતાં માર્ગ સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી થઈ છે.








