US Venezuela Oil Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા સાથે વિશાળ તેલ કરારની જાહેરાત કરીને વૈશ્વિક ઊર્જા બજારમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે આ સોદાને વિશ્વના ઇતિહાસની સૌથી મોટી તેલ ડીલ ગણાવી છે. કરાર હેઠળ અમેરિકાને વેનેઝુએલાના વિશાળ ક્રૂડ ઓઇલ સંસાધનોનો ઉપયોગ કરવાની તક મળશે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝના વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રોજેક્ટમાં 65 અબજ બેરલ તેલ ક્ષમતા ધરાવતા 17 તેલ ક્ષેત્રોના વિકાસનો સમાવેશ થાય છે.
17 ઓઇલ ફિલ્ડનો થશે વિકાસ, અબજો ડોલરનું રોકાણ
આ કરાર અંતર્ગત વેનેઝુએલાના 17 મહત્વપૂર્ણ ઓઇલ ફિલ્ડને વિકસાવવામાં આવશે. વેનેઝુએલાની સરકારના દાવા મુજબ, આ પ્રોજેક્ટમાં આશરે 100 અબજ ડોલરનું આંતરરાષ્ટ્રીય રોકાણ આવવાની શક્યતા છે. સાથે જ વેનેઝુએલા સરકારને 209 અબજ ડોલરથી વધુની કર આવક મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કરાર હેઠળ એક નવી સંયુક્ત કંપની બનાવવાની યોજના છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કંપની સાઉદી અરામકો બાદ વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપનીઓમાં સ્થાન મેળવી શકે છે. આ કંપનીને લાંબા ગાળે ઓઇલ ફિલ્ડ વિકસાવવાના અધિકારો આપવામાં આવશે અને ઉત્પાદનમાંથી અમેરિકાને મોટો હિસ્સો મળવાની વાત કરવામાં આવી છે.
વેનેઝુએલાની ઓઇલ પોલિસીમાં મોટો યુ-ટર્ન
આ ડીલ વેનેઝુએલાની દાયકાઓ જૂની ઓઇલ નીતિમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. હ્યુગો ચાવેઝના શાસનકાળ દરમિયાન દેશના ઓઇલ ક્ષેત્રમાં સરકારી નિયંત્રણ અને રાષ્ટ્રીયકરણની નીતિને પ્રાથમિકતા આપવામાં આવી હતી. હવે ડેલ્સી રોડ્રિગ્ઝના વહીવટીતંત્ર દ્વારા ખાનગી અને આંતરરાષ્ટ્રીય રોકાણ માટે વધુ જગ્યા બનાવવામાં આવી રહી છે. જેના કારણે વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓની ફરીથી મોટી એન્ટ્રીનો રસ્તો ખુલી શકે છે.
અમેરિકા માટે વેનેઝુએલાનું તેલ કેમ મહત્વનું?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય પર દબાણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા પોતાના ઊર્જા પુરવઠાને વધુ સુરક્ષિત બનાવવા માટે વેનેઝુએલા તરફ નજર કરી રહ્યું છે. વેનેઝુએલાના વિશાળ ઓઇલ ભંડારનો ઉપયોગ અમેરિકાને વૈશ્વિક સપ્લાયમાં વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડી શકે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ અને પુરવઠા અંગેની અનિશ્ચિતતા વચ્ચે આ ડીલને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વિશ્વનો સૌથી મોટો ઓઇલ ભંડાર, પરંતુ ઉત્પાદન ખૂબ ઓછું
વેનેઝુએલા પાસે અંદાજે 303 અબજ બેરલનું વિશ્વનું સૌથી મોટું સાબિત ઓઇલ રિઝર્વ હોવાનું માનવામાં આવે છે. જોકે, લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક સંકટ, પ્રતિબંધો, રોકાણના અભાવ અને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દયનીય સ્થિતિને કારણે દેશની વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા ઘણી ઓછી રહી છે. હવે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી ઊભું કરવા માટે અબજો ડોલરના રોકાણની જરૂર પડશે. જૂના ઓઇલ ફિલ્ડ, પાઇપલાઇન, રિફાઇનરી અને અન્ય માળખાકીય સુવિધાઓને પુનઃસ્થાપિત કરવામાં વર્ષો લાગી શકે છે.
મોટી ડીલ, પરંતુ પડકારો પણ એટલા જ મોટા
વેનેઝુએલા પાસે વિશાળ ઓઇલ રિઝર્વ હોવા છતાં તેને ઝડપથી બજારમાં લાવવું સરળ નથી. દેશમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, ઉત્પાદન વધારવું અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ જીતવો સૌથી મોટા પડકારોમાં રહેશે. ભૂતકાળના કડવા અનુભવોને કારણે કેટલીક મોટી અમેરિકન ઓઇલ કંપનીઓ હજુ પણ વેનેઝુએલામાં રોકાણ અંગે સાવચેતી રાખી શકે છે. તેથી ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ડીલ કેટલી ઝડપથી જમીન પર અમલમાં આવે છે અને તે વૈશ્વિક ઓઇલ બજારને કેટલો અસર કરે છે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર રહેશે.








