Dalal nation Pakistan: ઈરાન સાથે ચાલતા યુદ્ધને લગભગ એક મહિનો પૂર્ણ થવા આવી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય પર અસર યથાવત છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરજવર ખોરવાતા ઊર્જા સંકટ વધુ ઊંડું બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
ભારત કોઈ દલાલ દેશ બની શકતું નથી
બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરને અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની સંભવિત મધ્યસ્થતા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'ભારત કોઈ દલાલ દેશ બની શકતું નથી.' સાથે જ તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ અમેરિકાના નેતૃત્વ સાથે થયેલી વાતચીતમાં યુદ્ધ સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
દેશની ઊર્જા સુરક્ષા સંપૂર્ણપણે નિયંત્રણમાં
આ સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સરકારે તમામ રાજકીય પક્ષોને વિશ્વાસ અપાવ્યો કે દેશની ઊર્જા સુરક્ષા સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે જણાવ્યું કે તેલ અને ગેસ માટે અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરવામાં આવી છે અને વિવિધ દેશો સાથે સતત સંપર્કમાં રહી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા એલપીજી અને હોર્મુઝ માર્ગ દ્વારા સપ્લાય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના જવાબમાં સરકારે કહ્યું કે સ્થિતિ સ્થિર છે અને આગામી ચાર-પાંચ દિવસમાં ચાર જહાજો ભારત પહોંચવાના છે. સરકારએ ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
ભારતના નાગરિકોની સુરક્ષા અને જરૂરિયાતો
બેઠકની શરૂઆતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ભારતના નાગરિકોની સુરક્ષા અને જરૂરિયાતો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વર્તમાન ભૂ-રાજનૈતિક પરિસ્થિતિ અને ઊર્જા સુરક્ષા અંગે વિગતવાર માહિતી આપી હતી. વિપક્ષી નેતાઓએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં જણાવાયું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને શંકાઓના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે
આ બેઠકમાં અમિત શાહ, નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને હરદીપ સિંહ પુરી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. વિપક્ષમાંથી મુકુલ વાસનિક, તારિક અનવર, ધર્મેન્દ્ર યાદવ અને જોન બ્રિટાસ સહિતના નેતાઓએ ભાગ લીધો હતો, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ બેઠકથી દૂર રહી હતી. સરકાર તરફથી અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈપણ પ્રકારની ગભરાટની જરૂર નથી.








