Pakistan China biggest nuclear threat: અમેરિકાની સુરક્ષા નીતિને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા તુલસી ગબાર્ડે ચીન, પાકિસ્તાન સહિત અનેક દેશોને ગંભીર ખતરા તરીકે ચિહ્નિત કર્યા છે. બુધવાર, 18 માર્ચ 2026ના રોજ સીનેટ પેનલ સમક્ષ પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ચીન, પાકિસ્તાન, રશિયા અને ઉત્તર કોરિયા અમેરિકા માટે સૌથી મોટા પરમાણુ ખતરાઓમાં સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ દેશો સતત એવી સૈન્ય ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે, જે સંયુક્ત રાજ્ય અમેરિકાની સુરક્ષાને સીધો પડકાર આપી શકે છે.
પરમાણુ અને પરંપરાગત હથિયારોની ક્ષમતા વધારાઈ રહી
તુલસી ગબાર્ડે દાવો કર્યો કે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર ચીન, રશિયા, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન ઝડપથી એવી મિસાઈલ ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, જે પરમાણુ તેમજ પરંપરાગત બંને પ્રકારના હથિયારો વહન કરી શકે છે. આ પ્રકારની મિસાઈલોની વધતી સંખ્યા અમેરિકા માટે ચિંતાનો વિષય બની રહી છે, કારણ કે આ દેશોની મારક ક્ષમતાનો વ્યાપ હવે અમેરિકાના વિસ્તાર સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર કોરિયા + રશિયા અને ચીન સાથે વધતી ભાગીદારીને પણ તેમણે ઉલ્લેખ કર્યો.
ઈરાનની સ્થિતિ પર વિશેષ ટિપ્પણી
તુલસી ગબાર્ડે જણાવ્યું કે ઈરાન હાલ સૈન્ય દબાણના કારણે નબળું પડ્યું છે, પરંતુ તેની સત્તા યથાવત છે. તેમણે કહ્યું કે જો ઈરાન આ સ્થિતિમાંથી બહાર પણ આવી જાય, તો તેની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાને ફરી મજબૂત બનાવવામાં વર્ષો લાગી શકે છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, અમેરિકા પર હુમલો કરવા સક્ષમ મિસાઈલોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં વધુ ગંભીર સુરક્ષા પડકાર ઊભા કરી શકે છે.
ટ્રમ્પના નિર્ણયનો કર્યો બચાવ
આ દરમિયાન તુલસી ગબાર્ડે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે ટ્રમ્પને અમેરિકાની જનતાએ બહુમતીથી ચૂંટ્યા છે અને તેઓ કમાન્ડર-ઇન-ચીફ તરીકે દેશની સુરક્ષા માટે જરૂરી નિર્ણયો લેવા માટે સક્ષમ છે. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્ર (NCTC)ના વડા જો કેન્ટે વિરોધ સ્વરૂપે રાજીનામું આપ્યું હતું. આ યુદ્ધને લઈને વહીવટી તંત્રમાંથી આવું ઉચ્ચ સ્તરીય રાજીનામું પ્રથમ ગણાય છે.
વૈશ્વિક તણાવમાં વધારો
આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારો અને મિસાઈલ ટેકનોલોજીનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વમાં અસ્થિરતા વધવાની શક્યતા છે, અને આવનારા સમયમાં આ મુદ્દો વધુ ગંભીર બની શકે છે.








