UIDAI deactivates: ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI)એ આધાર ડેટાબેઝ સંબંધિત એક મહત્વનું પગલું ભર્યું છે. ઓથોરિટીએ જાણકારી આપી છે કે દેશમાં આશરે બે કરોડ જેટલા મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ, તેમજ તેમના આધાર નંબર, સત્તાવાર ડેટાબેસમાંથી દૂર કરી દેવાયા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છેતરપિંડી અટકાવવાનો અને આધાર દ્વારા થનારી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ સ્થાપવાનો છે.
મૃતક વ્યક્તિઓના આધાર ડેટાને સક્રિય રીતે દૂર કરવાની પ્રક્રિયા
UIDAIએ જણાવ્યું છે કે મૃત્યુ પામેલા નાગરીકોની ચોક્કસ માહિતી એકત્રિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક વિભાગોનો સહકાર લેવામાં આવ્યો. આ પ્રક્રિયામાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) તેમજ અન્ય સરકારી મંત્રાલયોનો મહત્વનો ફાળો રહ્યો. ઉપરાંત માહિતી મેળવવા માટે બેંકો અને કેટલીક ખાનગી સંસ્થાઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું હતું, જેથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના રેકોર્ડને શક્ય તેટલું સિદ્ધ અને ચોક્કસ બનાવી શકાય. આ વ્યાપક પ્રક્રિયા બાદ UIDAIએ મૃત્યુ પામેલા લોકોના આધાર નંબર નિષ્ક્રિય કરી તેમને ડેટાબેસમાંથી હટાવવાનું કામ પૂર્ણ કર્યું છે. ઓથોરિટીનું કહેવું છે કે આ પગલું નાગરિક ડેટાની સુરક્ષા માટે અનિવાર્ય હતું.
મૃતક વ્યક્તિઓના આધાર નંબર ફરી ક્યારેય જારી નહીં થાય
UIDAIએ સ્પષ્ટ કરતા કહ્યું કે કોઈપણ સ્થિતિમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો આધાર નંબર ફરીથી કોઈ અન્ય નાગરિકને આપવામાં આવશે નહીં. તેના પાછળનું કારણ છે સરકારની યોજનાઓનો શક્ય દુરુપયોગ અટકાવવો. જો આવા નંબરો ફરીથી જારી થાય તો લાભાર્થી યોજનાઓમાં છેતરપિંડી, ગેરકાયદે મળતા લાભો અને નાણાકીય અનિયમિતતાઓ વધવાની શક્યતા રહે છે. તેથી મૃત્યુ પામેલા લોકોના આધાર નંબરને કાયમ માટે નિષ્ક્રિય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. UIDAIના અધિકારીઓ અનુસાર, મૃતક લોકોના રેકોર્ડને સમયસર દૂર કરવાથી ડેટાબેસની શુદ્ધતા જાળવવામાં પણ સહકાર મળે છે અને ભવિષ્યમાં આધારને આધારિત સેવાઓ વધુ પારદર્શક બને છે.
નવી સુવિધા: 'મૃતક વ્યક્તિની માહિતી આપો'
ઓથોરિટીએ પરિવારના સભ્યો માટે એક નવી સુવિધા પણ શરૂ કરી છે. ‘myAadhaar’ પોર્ટલ પર હવે નાગરિકો પોતાના મૃત્યુ પામેલા સગાને લગતી વિગતો સરળતાથી નોંધાવી શકે છે. હાલ આ સેવા 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. પરિવારજનો દ્વારા મોકલવામાં આવેલી માહિતી અને સબમિટ કરાયેલા ડેથ સર્ટિફિકેટના આધારે UIDAI તેની ચકાસણી પૂર્ણ કરી મૃતક વ્યક્તિનો આધાર નંબર નિષ્ક્રિય કરે છે.
ડેથ સર્ટિફિકેટની એન્ટ્રી myAadhaar પોર્ટલમાં ફરજિયાત
UIDAIએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે તેમની વિગતો અને ડેથ સર્ટિફિકેટની એન્ટ્રી myAadhaar પોર્ટલમાં ફરજિયાત રીતે કરાવી દે. આથી ન માત્ર આધાર ડેટાબેસ વધુ સુરક્ષિત બને છે, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી પણ વધે છે.








