UGC Controversy: નવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) નિયમોને લઈને દેશભરમાં વ્યાપેલા આક્રોશ અને સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ભારતીય જનતા પાર્ટીએ આત્મરક્ષણાત્મક વલણ અપનાવ્યું છે. ભાજપ હાઈકમાન્ડે તમામ કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને પક્ષના પ્રવક્તાઓને UGC મુદ્દે કોઈપણ પ્રકારની ટિપ્પણી કે નિવેદન આપવાથી દૂર રહેવા સખત સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નવા નિયમો પર રોક લગાવ્યા બાદ પક્ષના કેટલાક નેતાઓએ કરેલી નિવેદનબાજીથી વિવાદ વધુ વકરતા ભાજપ સંસદીય પક્ષે આ 'ગ્રીગ ઓર્ડર' જારી કર્યો છે.
સુપ્રીમ કોર્ટની ફટકાર: 'પરિણામો ખતરનાક આવશે'
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચે નવા UGC નિયમો પર સુનાવણી કરતા અત્યંત ગંભીર ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું કે નવા નિયમોની ભાષા 'અસ્પષ્ટ' છે અને તેનાથી સમાજમાં વિભાજન પેદા થવાની ભીતિ છે. સીજેઆઈએ ચેતવણી આપી હતી કે, જો આ મામલે હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો તેના પરિણામો ખતરનાક આવશે અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની એકતા જોખમાશે. કોર્ટે અમેરિકાના જૂના 'શ્વેત-અશ્વેત' ભેદભાવના ઈતિહાસનો ઉલ્લેખ કરી ભારતને આવી સ્થિતિ તરફ ન ધકેલવા ટકોર કરી હતી.
75 વર્ષની મહેનત પાણીમાં જશે?
સુપ્રીમ કોર્ટે સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, આઝાદીના 75 વર્ષ પછી આપણે જાતિવિહીન સમાજ બનાવવાની દિશામાં જે કંઈ હાંસલ કર્યું છે, શું આપણે તેનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ? કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણ રાજ્યોને SC અને ST વર્ગ માટે કાયદા બનાવવાનો અધિકાર આપે છે, પરંતુ શિક્ષણના કેમ્પસમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકાર અને UGCને નોટિસ ફટકારી છે અને ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ અમલમાં રહેશે તેવો આદેશ આપ્યો છે.
સામાન્ય વર્ગનો રોષ અને ભાજપની રણનીતિ
નવા UGC નિયમોને લઈને સામાન્ય વર્ગના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સરકાર દ્વારા અનેક સ્પષ્ટતાઓ કરવા છતાં જનતાનો ગુસ્સો શાંત થયો નહોતો. વિપક્ષ પણ આ મુદ્દે આક્રમક બન્યો હતો. આ સંવેદનશીલ વાતાવરણમાં ભાજપના જ કેટલાક નેતાઓના વિરોધાભાસી નિવેદનોથી સરકારની મુશ્કેલીઓ વધી રહી હતી. પરિણામે, ગુરુવારે મળેલી પ્રવક્તાઓની બેઠકમાં તેમને ટીવી ચર્ચાઓમાં પણ આ વિષય પર ભાગ લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
નિષ્ણાતોની મદદ લેવા સૂચના
ન્યાયાલયે સૂચન કર્યું છે કે UGCના જાતિ આધારિત નિયમોની ભાષા એટલી અસ્પષ્ટ છે કે તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. આથી, તેની ભાષા સુધારવા અને તેને સ્પષ્ટ બનાવવા માટે કાયદાકીય અને સામાજિક નિષ્ણાતોની મદદ લેવાની જરૂર છે. ભાજપ અત્યારે આ મુદ્દે વધુ વિવાદ વકરે તેમ ઈચ્છતી નથી, તેથી મૌન પાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.








