US Media Boycott Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મીડિયા સંસ્થાઓ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. CNN, MS NOW અને Politicoને વ્હાઇટ હાઉસમાંથી પ્રતિબંધિત કર્યા બાદ ABC, CBS, Fox News અને NBC સહિતના મુખ્ય ટીવી નેટવર્ક્સે સોમવારે રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્રમો માટેના સંયુક્ત ટીવી પૂલ કવરેજને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. CNNને મળેલી પૂલ ડ્યુટી નિભાવવાની તક રોકાયા બાદ અન્ય નેટવર્ક્સે તેના સ્થાને કોઈ નવું પૂલ કવરેજ ન આપવાનો નિર્ણય કર્યો.
CNN, MS NOW અને Politico સામે કાર્યવાહી
ટ્રમ્પે 18 સપ્ટેમ્બરે CNN, MS NOW અને Politicoને વ્હાઇટ હાઉસમાંથી પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ મીડિયા સંસ્થાઓ પર પોતાના વિશે “ફેક ન્યૂઝ” પ્રસારિત કરવાનો આરોપ મૂક્યો હતો. બીજા દિવસે ત્રણેય સંસ્થાઓના પત્રકારોને વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા રોકવામાં આવ્યા અને તેમના પ્રેસ બેજ નિષ્ક્રિય અથવા જપ્ત કરવામાં આવ્યા હતા.
મીડિયા સંસ્થાઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા
આ કાર્યવાહી સામે CNN, MS NOW અને Politicoએ 21 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન સામે કેસ દાખલ કર્યો છે. ત્રણેય સંસ્થાઓએ દલીલ કરી છે કે તેમની સામેની કાર્યવાહી અમેરિકાના બંધારણના ફર્સ્ટ અમેન્ડમેન્ટ હેઠળ મળેલા વાણી અને પ્રેસની સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને રોકવા માટે અદાલત પાસે તાત્કાલિક રાહતની માંગ કરી છે.
ટ્રમ્પનો બચાવ, કહ્યું- ‘ફેક ન્યૂઝ’ સામે કાર્યવાહી
ટ્રમ્પે આ કાર્યવાહીને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે વ્હાઇટ હાઉસ “ફ્રી પ્રેસ” પર નહીં પરંતુ “ફેક ન્યૂઝ” સામે કાર્યવાહી કરી રહ્યું છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે કહ્યું છે કે પ્રેસને સમાચાર પ્રકાશિત કરવાનો અધિકાર છે, પરંતુ વ્હાઇટ હાઉસના હાર્ડ પાસ, બ્રીફિંગ રૂમની બેઠક અથવા પ્રેસ પૂલમાં સ્થાન મેળવવાનો અધિકાર નથી.
UNGA દરમિયાન પણ અસર
CNN વ્હાઇટ હાઉસના પાંચ મુખ્ય ટીવી નેટવર્ક્સના પૂલનો ભાગ છે અને રાષ્ટ્રપતિના કાર્યક્રમોનું વીડિયો કવરેજ નેટવર્ક્સ વચ્ચે ફરતી જવાબદારીથી કરવામાં આવે છે. CNNને પોતાની નિર્ધારિત પૂલ ડ્યુટી નિભાવવાથી રોકવામાં આવ્યા બાદ ABC, CBS, Fox News અને NBCએ પણ રાષ્ટ્રપતિના પૂલ કવરેજને સ્થગિત કર્યું. આ ઘટનાની અસર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન રાષ્ટ્રપતિના કાર્યક્રમોના વીડિયો કવરેજ પર પણ પડી છે.








