H-1B visa fee to Rs. 99 lakh: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા અને F-1 Optional Practical Training (OPT) કાર્યક્રમને લઈને મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. નવા પ્રસ્તાવ હેઠળ H-1B વિઝાની ફી વધારીને 1,03,265 ડૉલર એટલે કે આશરે 98.92 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જો આ નિયમ અમલમાં આવે તો અમેરિકામાં નોકરી કરવા ઈચ્છતા વિદેશી નાગરિકો ઉપરાંત વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓનો ખર્ચ પણ અનેકગણો વધી શકે છે.
DHSએ ફેડરલ રજિસ્ટરમાં પ્રસ્તાવ પ્રકાશિત કર્યો
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. નવી ફી લાગુ થવાથી અમેરિકામાં વિદેશી કર્મચારીઓની ભરતી કરવી કંપનીઓ માટે વધુ મોંઘી બનશે. તેની અસર ખાસ કરીને ટેકનોલોજી અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સ પર પડી શકે છે.
અગાઉ H-1B માટે હજારો ડૉલરની ફી હતી
H-1B વિઝા પ્રોગ્રામ અંતર્ગત અમેરિકન કંપનીઓ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી આપી શકે છે. દર વર્ષે 65,000 સામાન્ય H-1B વિઝા અને અમેરિકામાં ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે વધારાના 20,000 વિઝા ઉપલબ્ધ હોય છે. આ વિઝાની માન્યતા સામાન્ય રીતે 3થી 6 વર્ષ સુધીની હોય છે. અત્યાર સુધી સામાન્ય સંજોગોમાં H-1B પ્રક્રિયા માટે આશરે 2,000થી 5,000 ડૉલર સુધીની વિવિધ ફી ચૂકવવી પડતી હતી. તેની સરખામણીએ 1,03,265 ડૉલરની નવી દરખાસ્ત અત્યંત મોટો વધારો છે.
ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડશે સૌથી મોટી અસર
આ ફેરફારની સૌથી વધુ અસર ભારતીય નાગરિકો પર થવાની શક્યતા છે. H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો 70 ટકાથી વધુ છે. USCISના 2024ના આંકડા અનુસાર, મંજૂર થયેલી 3,99,402 H-1B અરજીઓમાંથી આશરે 71 ટકા અરજીઓ ભારતીય મૂળના લોકોની હતી. અમેરિકામાં 52 લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. H-1B ફીમાં વધારા અંગેની દરખાસ્તો વ્હાઇટ હાઉસના Office of Management and Budget (OMB) સુધી પણ પહોંચી ચૂકી છે, જ્યાં 19 અને 20 ઓગસ્ટે તેની સમીક્ષા પ્રક્રિયા આગળ વધી હતી.
F-1 વિદ્યાર્થીઓના OPT પર પણ ભારે ફીનો પ્રસ્તાવ
રિપોર્ટ્સ અનુસાર, DHS F-1 વિદ્યાર્થીઓના Optional Practical Training (OPT) કાર્યક્રમ માટે પણ 1 લાખ ડૉલર સુધીની ફી લાદવાની દરખાસ્ત કરી શકે છે. જોકે, આ અંગેની સંપૂર્ણ સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ અંગે વિગતવાર નોટિફિકેશન બહાર આવે તેવી શક્યતા છે.
ફી વધારા સામે અમેરિકામાં કાનૂની લડાઈ
આ પ્રસ્તાવ સામે અમેરિકાના મોટા બિઝનેસ સંગઠન US Chamber of Commerce, ડેમોક્રેટિક શાસિત કેટલાક રાજ્યો અને નોકરીદાતાઓના સંગઠનો કોર્ટમાં પહોંચ્યા છે. અરજદારોની દલીલ છે કે રાષ્ટ્રપતિને ઇમિગ્રેશન સંબંધિત સત્તા હોવા છતાં કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને મનસ્વી રીતે બદલી શકાય નહીં. તેમની દલીલ મુજબ, કોંગ્રેસની મંજૂરી વિના આટલી મોટી ફી અથવા ટેક્સ લાદી શકાય નહીં. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પરંપરાગત ટેક્સ નથી અને રાષ્ટ્રપતિની સત્તામાં કોર્ટની દખલ મર્યાદિત હોવી જોઈએ.
H-1B કર્મચારીઓનો 60 દિવસનો ગ્રેસ પીરિયડ પણ જોખમમાં
ફી વધારા સિવાય DHS દ્વારા બેરોજગાર H-1B કર્મચારીઓને મળતા 60 દિવસના ગ્રેસ પીરિયડને સમાપ્ત કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો આ નિયમ મંજૂર થશે, તો નોકરી ગુમાવનારા H-1B કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે અમેરિકા છોડવાનો સમય ખૂબ જ ઓછો થઈ શકે છે. નિયમનું ઉલ્લંઘન થાય તો ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે.








