Fujairah UAE Road Accident:સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ શહેરમાં આવેલા શેખ ખલીફા બિન જાયદ રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક પછી એક એમ કુલ 23 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ગમખ્વાર ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી અને અનેક વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભીષણ અકસ્માતમાં કુલ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 30 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 10 યુએઈના સ્થાનિક નાગરિકો અને 4 ભારતીય નાગરિકોનો સમાવેશ થતા ભારતભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વેકેશન પૂર્ણ કરી ઘરે પરત ફરતા ગુજરાતી પરિવાર પર કાળ ત્રાટક્યો
આ ગોઝારા અકસ્માતમાં ગુજરાતના 13 વર્ષીય માસૂમ કિશોર આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરનું કરૂણ મોત નીપજ્યું છે. આતિફ પોતાના પરિવાર સાથે ખુશી-ખુશી યુએઈમાં રજાઓ માણવા અને ફરવા માટે ગયો હતો. વેકેશન પૂર્ણ થયા બાદ જ્યારે આતિફનો પરિવાર ભારત પરત ફરવા માટે ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ જીવલેણ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં આતિફે જીવ ગુમાવ્યો છે, જ્યારે તેના માતા-પિતા અને મોટી બહેન પણ ગંભીર રીતે ઘવાયા છે. હાલ આ ત્રણેય પરિવારજનો સ્થાનિક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.
કેરળના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો
ગુજરાતી કિશોર ઉપરાંત આ અકસ્માતમાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના એક જ પરિવારના ત્રણ સભ્યોનું પણ મૃત્યુ થયું છે. મૃતકોની ઓળખ મોહમ્મદ અસ્મિલ, તેમની જોડિયા બહેન મિસ્ના જુબીન અને ત્રણ વર્ષના નાનકડા ભાણેજ મોહમ્મદ ફૈયસ તરીકે કરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના આકસ્મિક અવસાનથી તેમના વતન કેરળમાં પણ ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
કેવી રીતે સર્જાઈ આ ભયાનક દુર્ઘટના? સામે આવ્યું પ્રાથમિક કારણ
સ્થાનિક પોલીસ અને અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ અકસ્માત પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અકસ્માત સમયે હાઈવે પર સમારકામ ચાલી રહ્યું હોવાથી રસ્તાની જમણી બાજુની લેન બંધ રાખવામાં આવી હતી. આ દરમિયાન એક વાહન રસ્તા કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાયું હતું. આ પહેલી ટક્કર બાદ પાછળથી બે ભારેખમ શિપિંગ કન્ટેનર લઈને પૂરઝડપે આવી રહેલા એક મોટા ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલા આ મહાકાય ટ્રકે આગળ જઈ રહેલા અનેક વાહનોને અડફેટે લઈને રોંદી નાખ્યા હતા અને ત્યારબાદ ટ્રક પોતે પણ પલટી મારી ગયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં લીધો છે.
7 ભારતીયો સહિત 30 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ: ભારતીય દૂતાવાસ સક્રિય
યુએઈના ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુર્ઘટના અંગે સત્તાવાર વિગતો જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ઘવાયેલા કુલ 30 લોકોમાં ભારતના 7, યુએઈના 8, ઓમાનના 6, ઇજિપ્તના 3, જોર્ડનના 2, પાકિસ્તાનના 2 અને બ્રાઝિલના 2 નાગરિકો સામેલ છે. ઘટનાની જાણ થતા જ દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ (Indian Consulate) ના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. અધિકારીઓએ સારવાર લઈ રહેલા તમામ 7 ભારતીયોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને શોકગ્રસ્ત તથા પીડિત પરિવારોને તમામ પ્રકારની કાયદાકીય અને તબીબી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.








