Tamil Nadu CM Vijay Free LPG Cylinders: તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે સોમવારે વિધાનસભામાં સામાન્ય પરિવારો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે અનેક મોટી જાહેરાતો કરી છે. સરકાર દ્વારા વાર્ષિક 3 મફત LPG સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર લોકો માટે સરકારી બસોમાં મફત મુસાફરી અને મહિલાઓ માટેની મફત બસ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
₹2.5 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને 3 LPG સિલિન્ડર મફત
મુખ્યમંત્રી વિજયે જણાવ્યું, કે વાર્ષિક ₹2.5 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને દર વર્ષે 3 કુકિંગ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. 'અન્નપૂરણી સુપર સિક્સ' નામની આ યોજના પોંગલ 2027થી શરૂ કરવામાં આવશે. રકારના જણાવ્યા મુજબ, આ યોજનાથી અંદાજે 1.30 કરોડ પરિવારોને લાભ મળશે. લાભાર્થીઓ દ્વારા ખરીદવામાં આવેલા ત્રણ સિલિન્ડરની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. યોજનાથી રાજ્ય સરકાર પર દર વર્ષે આશરે ₹4,000 કરોડનું વધારાનું આર્થિક ભારણ આવશે. ગેસના વધતા ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાન્ય પરિવારોનો ખર્ચ ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વિજયે જણાવ્યું.
ટ્રાન્સજેન્ડર સમુદાયને સરકારી બસોમાં મફત મુસાફરી
તમિલનાડુ સરકારે સામાજિક ન્યાયના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિલાઓ માટે પહેલેથી ચાલી રહેલી મફત બસ મુસાફરી યોજનાનો પણ વ્યાપ વધારવામાં આવ્યો છે. આ વિસ્તૃત યોજનાને 'વેત્રિ પયણમ્' (વિજયી યાત્રા) નામ આપવામાં આવ્યું છે.
મહિલાઓને હવે વધુ પ્રકારની બસોમાં ફ્રી મુસાફરી
નવી જોગવાઈ હેઠળ મહિલાઓ માત્ર સામાન્ય બસોમાં જ નહીં, પરંતુ એક્સપ્રેસ, LSS અને ડિલક્સ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા આંતર-જિલ્લા રૂટ પર પણ લાગુ કરવામાં આવશે. આ વિસ્તૃત યોજના 2 ઓક્ટોબરથી અમલમાં આવશે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજનાથી રાજ્ય સરકાર પર દર વર્ષે આશરે ₹6,000 કરોડનો વધારાનો ખર્ચ થશે.
પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય યથાવત્
ચેન્નાઈ નજીક પરંદૂરમાં પ્રસ્તાવિત નવા એરપોર્ટ અંગે મુખ્યમંત્રી વિજયે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતો અને સ્થાનિક લોકોના હિતોને ધ્યાનમાં રાખીને પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય યથાવત્ છે. તેમણે કહ્યું કે ખેડૂતોને વિસ્થાપિત ન કરવા માટે વૈકલ્પિક સ્થળોની શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચેન્નાઈના હાલના મિનમ્બક્કમ એરપોર્ટ પર નવું 'ટર્મિનલ-5' બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતો દ્વારા તમિલનાડુ સરકારે એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જાહેર પરિવહનની સુવિધા વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે.








