Syria President UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્ર દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા ફોન ચલાવતા કેમેરામાં કેદ થયા છે. વાયરલ વીડિયોમાં તેઓ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન ભાષણ આપી રહ્યા હતા ત્યારે મોબાઇલમાં Instagram Reels સ્ક્રોલ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ રીલ્સ જોઈ રહ્યા હોવા ઉપરાંત તેને શેર કરતા હોવાનું પણ દેખાય છે. જોકે, તે સમયે તેઓ ફોનનો ઉપયોગ શા માટે કરી રહ્યા હતા તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
કેમેરામાં કેદ થયો વીડિયો
UNGA હોલમાં બેઠેલા અલ-શરા તરફ કેમેરો ગયો ત્યારે તેઓ મોબાઇલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે અને અલગ-અલગ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
બીજી વખત UN મહાસભામાં હાજરી
અહમદ અલ-શરા આ વર્ષે બીજી વખત UN મહાસભામાં હાજર રહ્યા છે. 2025માં તેઓ લગભગ છ દાયકા બાદ UNGAમાં વિશ્વના નેતાઓને સંબોધન કરનારા સીરિયાના પ્રથમ પ્રતિનિધિ બન્યા હતા. જાન્યુઆરી 2025માં તેઓ સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા હતા.
સોશિયલ મીડિયા પર આવી પ્રતિક્રિયાઓ
અલ-શરાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાને લઈને મજાકિયા અને ટીકા કરતી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સે રાજકીય ભાષણો દરમિયાન ધ્યાન ભટકવાની વાત કરી, જ્યારે કેટલાકે આ ઘટનાને સામાન્ય સોશિયલ મીડિયા ઉપયોગ સાથે જોડીને પ્રતિક્રિયા આપી છે.
અલ-શરાનો વિવાદાસ્પદ ભૂતકાળ
અહમદ અલ-શરા અગાઉ અબુ મોહમ્મદ અલ-જોલાની નામથી ઓળખાતા હતા અને હયાત તહરીર અલ-શામ (HTS)ના નેતા રહી ચૂક્યા છે. તેઓ અગાઉ અમેરિકાની આતંકવાદી યાદીમાં સામેલ હતા અને તેમના વિશે માહિતી આપવા માટે અમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. ડિસેમ્બર 2024માં અમેરિકાએ અલ-શરા સાથે રાજદ્વારી સંપર્ક બાદ આ ઇનામ હટાવ્યું હતું.








