Supreme Court Delhi Police: સુપ્રીમ કોર્ટે દિલ્હી અને તેની આસપાસના નેશનલ કેપિટલ રીજન (NCR)માં સગીરાઓ અને મહિલાઓ સાથે સતત વધી રહેલા જાતીય અપરાધો પર સુઓમોટો લેતા દિલ્હી પોલીસની કામગીરી પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે રાત્રે 10 વાગ્યા પછી પણ દેશની દરેક મહિલા પોતાની જાતને સુરક્ષિત અનુભવે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાતીય ગુના કરવાની માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોના મનમાં પોલીસનો એવો ખૌફ હોવો જોઈએ કે જો તેઓ કઈ ખોટું કરશે તો પરિણામ અત્યંત ભયાનક આવશે.
કાગળ પર નહીં પરંતુ જમીન પર કડક કાર્યવાહીનો આદેશ
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે દિલ્હી-NCRમાં સગીરાઓ પર થયેલા ગૅંગરેપના કિસ્સાઓ અંગે સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી કે ભારત જેવા દેશમાં માત્ર યોજનાઓ કે નિયમો કાગળ પર લખી દેવાથી પરિસ્થિતિ બદલાશે નહીં. અદાલતે પોલીસને તાકીદ કરી છે કે ગુનેગારોને ડામવા માટે જમીની સ્તર પર કડક પગલાં ભરવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરતી વખતે જો કેટલાક લોકો બંધારણના અનુચ્છેદ-21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નો હવાલો આપીને વિરોધ કે હંગામો કરે, તો પણ પોલીસે અચકાયા વિના પોતાની પ્રાથમિક ફરજ નિભાવવી જોઈએ.
છેલ્લા બે મહિનામાં દિલ્હી-NCRને હચમચાવનારી 3 દર્દનાક ઘટનાઓ
સુપ્રીમ કોર્ટે છેલ્લા બે મહિના દરમિયાન દિલ્હી-NCRમાં બનેલી ત્રણ ચોંકાવનારી ઘટનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો:
4 ઓગસ્ટ: ગ્રેટર નોઈડાના પરી ચોકથી બસમાં બેઠેલી 16 વર્ષની સગીરા સાથે ચાલુ સ્લીપર બસમાં 47 કિલોમીટર સુધી ગેંગરેપ આચરવામાં આવ્યો હતો અને આરોપીઓએ તેને કશ્મીરી ગેટ પર છોડી દીધી હતી.
12 સપ્ટેમ્બર: સ્વરૂપ નગરમાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરી દેવાઈ હતી, જેનો મૃતદેહ બીજા દિવસે ખેતરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં 3 સગીર સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે.
21 સપ્ટેમ્બર: કાલકાજી મંદિર નજીકના આસ્થા કુંજ પાર્કમાં મિત્ર સાથે બેઠેલી 17 વર્ષની વિદ્યાર્થીની સાથે ત્રણ શખ્સોએ નકલી પોલીસ બનીને ગૅંગરેપ કર્યો હતો.
'હાઈ રિસ્ક ઝોન' અને તંત્રની જવાબદારી નક્કી કરવાનો આદેશ
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર સ્થળો, પાર્ક, રસ્તાઓ કે બસ સ્ટેશનોને નબળી લાઈટિંગ, સીસીટીવીના અભાવ કે પોલીસ પેટ્રોલિંગની ખામીના કારણે ગુનેગારો માટે 'હાઈ રિસ્ક ઝોન' બનવા દઈ શકાય નહીં. માત્ર સંવેદના વ્યક્ત કરવાથી કે દુઃખ જતાવવાથી પરિસ્થિતિ નહીં સુધરે, પરંતુ જે અધિકારીઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેમની સીધી જવાબદારી નક્કી કરવી પડશે. આસ્થા કુંજ પાર્કની ઘટના અંગે કોર્ટે નોંધ્યું કે, LSR કોલેજની છાત્રાઓએ અગાઉ પણ તે વિસ્તારમાં જાતીય સતામણીની ફરિયાદો કરી હતી, તેમ છતાં તંત્રે સુરક્ષામાં જરૂરી સુધારા કર્યા નહોતા.
દિલ્હીમાં ચિંતાજનક આંકડા અને કોર્ટના વિશેષ નિર્દેશો
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના વર્ષ 2024ના આંકડા મુજબ દિલ્હીમાં પોક્સો હેઠળ 1,553 કેસ નોંધાયા હતા, જેનો અર્થ એ થાય છે કે રાજધાનીમાં દરરોજ સરેરાશ 4થી વધુ બાળકીઓ જાતીય અપરાધનો ભોગ બને છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે. વધુમાં, કોર્ટે તમામ બંધ સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ્સ તાત્કાલિક રીપેર કરવા, સંવેદનશીલ વિસ્તારોનું 'વલ્નરેબિલિટી મેપિંગ' કરવા અને આવા કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક વર્ષની અંદર ટ્રાયલ પૂર્ણ કરવા કડક આદેશ આપ્યા છે.








