Supreme Court Notice Controversy: 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરનારા લો વિદ્યાર્થીને ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે નોટિસ પાઠવવાના મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ 1 સપ્ટેમ્બરે દેશવ્યાપી આદેશ આપીને વિદ્યાર્થીઓ સામે આવી પ્રકારની દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી હતી. તેમ છતાં વિદ્યાર્થીને નોટિસ પાઠવાતા મામલો ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. વિવાદ વધ્યા બાદ મેજિસ્ટ્રેટે નોટિસ પાછી ખેંચી લીધી હોવા છતાં કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.
'સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાની હિંમત કેવી રીતે થઈ?'
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સિનિયર એડવોકેટ વિશ્વજીત ભટ્ટાચાર્યએ આ મુદ્દો મૌખિક રીતે રજૂ કર્યો હતો. મેજિસ્ટ્રેટની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતા CJI સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે, જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી ન કરવી, ત્યારે કોઈ મેજિસ્ટ્રેટ આવી નોટિસ જાહેર કરવાની હિંમત કેવી રીતે કરી શકે? CJIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ મેજિસ્ટ્રેટ સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કે ઉલ્લંઘન કરી શકે નહીં.
BNSS હેઠળ વિદ્યાર્થીને નોટિસ કેમ?
બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે વિદ્યાર્થીઓના આંદોલન સાથે જોડાયેલી FIR રદ થઈ ગઈ હતી અને ભવિષ્યમાં CJPના પ્રદર્શનને લઈને કોઈ વિદ્યાર્થી સામે દંડાત્મક પગલાં ન લેવાનો સ્પષ્ટ આદેશ હોવા છતાં BNSSની કલમ 130 હેઠળ વિદ્યાર્થીને નોટિસ કેવી રીતે આપવામાં આવી? કોર્ટે મેજિસ્ટ્રેટની આ કાર્યવાહી પોતાના અગાઉના આદેશની ગંભીર અવહેલના સમાન હોવાનું નોંધ્યું હતું.
વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો આરોપ
સુપ્રીમ કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે નોઈડા પોલીસના રિપોર્ટના આધારે બીજા વર્ષના લો વિદ્યાર્થી અક્ષત ત્રિપાઠીને મેજિસ્ટ્રેટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ નોટિસ પરત ખેંચી લેવામાં આવી હતી. વકીલે દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓ સામે આ પ્રકારની કાર્યવાહીથી તેમનામાં ડરનો માહોલ ઊભો થઈ શકે છે અને તે સુપ્રીમ કોર્ટના આદેશની ભાવનાથી વિરુદ્ધ છે. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ સવાલ કર્યો હતો કે નોટિસ પાછી ખેંચાઈ ગયા બાદ શું કાર્યવાહીનો કોઈ આધાર રહે છે? વકીલે જવાબ આપ્યો હતો કે એકવાર કોર્ટના આદેશનો અનાદર થઈ જાય ત્યારબાદ માત્ર નોટિસ પાછી ખેંચવાથી કથિત ભૂલ કે અવમાનનાનો મુદ્દો આપમેળે સમાપ્ત થઈ જતો નથી.
શું હતો સમગ્ર મામલો?
ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-IIIની કોર્ટ દ્વારા અક્ષત ત્રિપાઠી સામે BNSSની કલમ 126/135 હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી. પોલીસ રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થી 4 સપ્ટેમ્બરે યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓને કથિત રીતે ગેરમાર્ગે દોરી રહ્યો હતો, સરકાર વિરોધી વાતો ફેલાવી રહ્યો હતો અને CJPના પ્રસ્તાવિત ધરણા-પ્રદર્શનમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે વકીલને આ નોટિસને કોર્ટના રેકોર્ડ પર લાવવા માટે અરજી કરવાની સૂચના આપી છે. સાથે જ સંબંધિત અધિકારી પાસેથી લેખિત સ્પષ્ટતા મેળવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલે આગળની સુનાવણી દરમિયાન કોર્ટનું વલણ શું રહે છે તેના પર નજર રહેશે.








