Sheikh Hasina Bangladesh Return December 16: બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વખત પોતાના સ્વદેશ પરત ફરવા માટે તારીખ જાહેર કરી છે. તેઓ 16 ડિસેમ્બરે એટલે કે બાંગ્લાદેશના વિજય દિવસે ઢાકા પરત ફરવા માગે છે. આ માટે તેમણે તારિક રહમાનની સરકાર પાસે દિલ્હીથી ઢાકા આવવા સરકારી વિમાન મોકલવાની માગ કરી છે. આ માગને પગલે બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જોકે, બાંગ્લાદેશ સરકારે હજુ સુધી તેમની વાપસીની માગ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
દિલ્હીથી બાંગ્લાદેશના વિમાનમાં ઢાકા જવાની ઇચ્છા
અહેવાલ મુજબ, હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ મંગળવારે તેમની વાપસી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શેખ હસીના સરકારી એરલાઇન બિમાન બાંગ્લાદેશના વિમાન દ્વારા દિલ્હીથી ઢાકા પરત ફરવા માગે છે. પ્રવક્તાએ કહ્યું કે 5 ઓગસ્ટ, 2024ના રોજ જે બાંગ્લાદેશી વિમાન દ્વારા હસીનાને ભારત લાવવામાં આવ્યા હતા, તેવી જ રીતે હવે તેમની વાપસીની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ. તેમના મતે, હસીનાને બંધારણ વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યાં હતાં, તેથી તેમને પરત લાવવાની જવાબદારી પણ સરકારની છે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાએ આ માગ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, સરકારના એક મંત્રીએ રવિવારે રોયટર્સને જણાવ્યું હતું કે હસીના પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે.
16 ડિસેમ્બરે જ શા માટે પરત ફરવા માગે છે હસીના?
16 ડિસેમ્બર બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1971માં આ જ દિવસે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધ સમાપ્ત થયું હતું અને બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો હતો. આ દિવસે સ્વદેશ પરત ફરવાની હસીનાની ઇચ્છા બાંગ્લાદેશના રાજકીય માહોલમાં વધુ તણાવ ઊભો કરી શકે છે. તેમની પાર્ટી અવામી લીગ પર હાલમાં પ્રતિબંધ લાગેલો છે. આ મહિનાની શરૂઆતમાં હસીનાએ નવા પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો મેળવવા માટે પણ અરજી કરી હતી. જોકે, રહમાન સરકારે તેમની માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
બાંગ્લાદેશી સાંસદનો ભારત પર ગંભીર આરોપ
બાંગ્લાદેશમાં હિંસા અને રાજકીય તણાવ વચ્ચે નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના પ્રમુખ અને સાંસદ નાહિદ ઇસ્લામે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. નાહિદ ઇસ્લામે કહ્યું કે ભારત એક 'હત્યારણ'ને પોતાના દેશમાં આશ્રય આપી રહ્યું છે અને ભારતીય ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધ થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતમાં રહેતાં શેખ હસીનાને ત્યાંથી રાજકીય પ્રવૃત્તિઓ કરવાની છૂટ મળી રહી છે. તેમણે બાંગ્લાદેશના તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને ભારતના વર્ચસ્વ વિરુદ્ધ એકજૂથ થવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે સરકાર પાસે ગંગાના પાણીની વહેંચણી અને શેખ હસીનાને પરત લાવવા જેવા મુદ્દાઓ પર ભારત સામે કડક વલણ અપનાવવાની માગ કરી હતી.
5 ઓગસ્ટ 2024ના રોજ દેશ છોડીને ભારત આવ્યાં હતાં હસીના
બાંગ્લાદેશમાં જૂન 2024માં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું હતું. હાઈકોર્ટે 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ મુક્તિ સેનાનીઓનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમની માગ હતી કે સરકારી નોકરીઓમાં ભરતી અનામતના બદલે યોગ્યતાના આધારે થવી જોઈએ. જુલાઈમાં આંદોલન ઉગ્ર બનતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પોલીસ પર પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર અને જરૂર કરતાં વધુ બળપ્રયોગ કરવાના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શેખ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી હતી. ધીમે-ધીમે આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, 2024માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં આશરે 1,400 લોકોનાં મોત થયાં હતાં. 5 ઓગસ્ટ, 2024ના રોજ હજારો પ્રદર્શનકારીઓ ઢાકા તરફ આગળ વધ્યા હતા અને હસીનાના સરકારી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ શેખ હસીના સૈન્ય વિમાન દ્વારા બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ
શેખ હસીનાની સંભવિત વાપસીની ચર્ચા વચ્ચે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે.
15 નવેમ્બર – ગોપાલગંજમાં હિંસા: શેખ હસીનાના ગૃહજિલ્લા ગોપાલગંજમાં અવામી લીગના સમર્થકોએ રેલી કાઢી હતી. આ દરમિયાન BNPની કચેરીઓ, નેતાઓનાં ઘરો અને દુકાનોમાં તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ બની હતી. BNP નેતાઓએ આ હુમલાઓ માટે અવામી લીગના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા હતા.
17 નવેમ્બર – પોલીસ સ્ટેશન અને ઘર પર હુમલો: ગોપાલગંજના તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. એ જ રાત્રે BNPના એક સાંસદના ઘરમાં પણ આગ લગાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા નેતાઓને છોડાવવા માટે અવામી લીગના કાર્યકરોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
18 નવેમ્બર – યુનુસના પૈતૃક ઘરમાં આગ: ચટગાંવમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરમાં આગ લગાવવામાં આવી હતી.
19 નવેમ્બર – દેશવ્યાપી બંધ દરમિયાન હિંસા: ગોપાલગંજમાં પોલીસ સ્ટેશન, ગ્રામીણ બેંકની શાખા અને અનેક ઘરોમાં આગ લગાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ઊભેલાં આશરે 20 વાહનો પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં.
20 નવેમ્બર – મંત્રીના ઘર બહાર આગચંપી: સિલહટમાં વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરના ઘરની બહાર આગ લગાવવામાં આવી હતી. કબીરે આ ઘટના માટે અવામી લીગને જવાબદાર ઠેરવી હતી.
21 નવેમ્બર – આશરે 50 ઘરોમાં આગ: નરાઇલમાં અવામી લીગના નેતાઓ, ભૂતપૂર્વ સાંસદો અને સમર્થકોનાં આશરે 50 ઘરો તથા દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી.
હસીનાની વાપસીથી બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધવાની શક્યતા
શેખ હસીનાએ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેમની માગ પર સરકારનો નિર્ણય હજુ સામે આવ્યો નથી. એક તરફ સરકારના મંત્રી દ્વારા તેમની ધરપકડની વાત કરવામાં આવી છે, તો બીજી તરફ હસીનાના પ્રવક્તા સરકાર પાસે વિમાન મોકલવાની માગ કરી રહ્યા છે. અવામી લીગ પર પ્રતિબંધ, ભારત સાથેના સંબંધો અને દેશમાં સતત થઈ રહેલી હિંસાની વચ્ચે હસીનાની વાપસીનો મુદ્દો બાંગ્લાદેશની રાજનીતિમાં વધુ ગરમાવો લાવી શકે છે.








