Sharad Pawar Controversy: સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન (પરિસીમન) બિલને લઈને વિપક્ષી INDIA ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે. આ મુદ્દે રણનીતિ ઘડવા માટે શનિવારે બોલાવવામાં આવેલી બેઠકમાં શરદ પવારની પાર્ટી NCP(SP) ગેરહાજર રહી હતી. NCP(SP) સીમાંકન બિલ મુદ્દે NDA સરકારને સમર્થન આપી રહી હોવાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નારાજ થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શરદ પવાર પર સીધા અને આકરા પ્રહારો કર્યા છે.
પવારનું નામ લોકશાહી ખતમ કરનારાઓમાં સામેલ થશે: વિજય વડેટ્ટીવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે NCP(SP)ના વલણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે શરદ પવાર પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો કે પવારની પીઠમાં છરો ભોંકવાની જૂની આદત છે અને તેમણે પોતાના સિદ્ધાંતો સાથે દગો કર્યો છે. વડેટ્ટીવારે વધુમાં કહ્યું કે પવારની હાલત પાણી વગરની માછલી જેવી છે અને તેમની કોઈ વિચારધારા નથી. લોકશાહીનો નાશ કરનારાઓની યાદીમાં પણ તેમનું નામ સામેલ થશે. તેમણે NCP પર સત્તાલાલસાનો આક્ષેપ કરતાં કહ્યું કે NCPના નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં છે અને સત્તા લઈને જ મરવા માગે છે. માત્ર 10 ધારાસભ્યોના જોરે મુખ્યમંત્રી પદની માગણી કરવી હાસ્યાસ્પદ છે. જનતા તેમને ગણી-ગણીને જવાબ આપશે, તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણીમાં આપેલા સમર્થનની યાદ અપાવી
મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માર્ચમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે યાદ અપાવ્યું કે 85 વર્ષીય શરદ પવારને રાજ્યસભામાં મોકલવા માટે પાર્ટીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તે સમયે રાજ્યસભાની 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવવા 36 મતની જરૂર હતી, જ્યારે NCP(SP) પાસે માત્ર 10 ધારાસભ્યો હતા. કોંગ્રેસના 16 અને શિવસેના (UBT)ના 20 ધારાસભ્યોના સમર્થનથી મહાવિકાસ અઘાડીએ શરદ પવારને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે સીમાંકનના મુદ્દે NCP(SP)ના વલણને લઈને કોંગ્રેસે આ જૂના સમર્થનની યાદ અપાવી છે.
રોહિત પવાર કોંગ્રેસમાં આવે તો સ્વાગત થશે: વડેટ્ટીવાર
શરદ પવાર જૂથ પર આકરા પ્રહાર કરનાર વિજય વડેટ્ટીવારે રોહિત પવાર અંગે નરમ વલણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે રોહિત પવાર કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં રહે છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાવા માગે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમની સામે કોંગ્રેસને કોઈ વિરોધ નથી.
INDIA ગઠબંધનની બેઠકમાં NCP(SP)નો કોઈ પ્રતિનિધિ હાજર નહીં
INDIA ગઠબંધનની બેઠકમાં NCP(SP)ની ગેરહાજરી અંગે સુપ્રિયા સુલેએ શરદ પવારની તબિયતનું કારણ આપ્યું હતું. અગાઉ સાંસદ નિલેશ લંકે અને ભાસ્કર ભાગરે બેઠકમાં હાજર રહેવાના હતા, પરંતુ બંને બેઠકમાં પહોંચ્યા નહોતા. નિલેશ લંકે તોરણા કિલ્લા પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા, જ્યારે ભાસ્કર ભાગરે પણ મહારાષ્ટ્રમાં જ રોકાયા હતા. આ રીતે બેઠકમાં NCP(SP) તરફથી કોઈ પ્રતિનિધિ સામેલ થયો નહોતો.
સીમાંકનથી લોકસભાની બેઠકોનું ગણિત બદલાશે
નવા સીમાંકન પ્રસ્તાવ હેઠળ દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકાનો વધારો થવાની જોગવાઈ છે. આ પ્રસ્તાવ મુજબ દક્ષિણ ભારતની બેઠકો 129થી વધીને 195 થવાની છે. ઉત્તર ભારતમાં પણ આ જ પ્રમાણમાં બેઠકો વધવાની છે. સીમાંકનની આ ફોર્મ્યુલા ઘણા પ્રાદેશિક પક્ષોને અનુકૂળ આવતી હોવાથી મોટાભાગના પક્ષો NDAના સમર્થનમાં જતા દેખાઈ રહ્યા છે. આ મુદ્દે વિપક્ષી ગઠબંધનની અંદર મતભેદો વધી રહ્યા છે અને INDIA ગઠબંધનની એકતા સામે સવાલો ઊભા થયા છે.








