Saudi Arabia Missile Defense: યમનના હૂથી બળવાખોરો સાથે ચાલી રહેલા તણાવ અને વધતા હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું હોવાના અહેવાલ છે. આ સ્થિતિનો સામનો કરવા માટે સાઉદી અરેબિયાએ ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ઇજિપ્ત પાસેથી એર ડિફેન્સ સહાય માગી હોવાની માહિતી સામે આવી છે.
સહયોગી દેશો પાસે મદદની માંગ
બે પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા હૂથી બળવાખોરો તેમજ અન્ય ઈરાન સમર્થિત જૂથો તરફથી કરવામાં આવી રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સામે સુરક્ષા માટે પોતાના સહયોગી દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. બીજી તરફ, સાઉદી અરેબિયાનો મુખ્ય સહયોગી અને હથિયારોનો સપ્લાયર અમેરિકા પણ ઈરાન સાથે ચાલી રહેલા છ મહિનાના યુદ્ધને કારણે ઇન્ટરસેપ્ટર મિસાઈલોની અછતનો સામનો કરી રહ્યું હોવાના અહેવાલ છે.
હૂથીઓનો સાઉદી F-15 તોડી પાડવાનો દાવો
આ દરમિયાન હૂથી બળવાખોરોએ દાવો કર્યો હતો, કે તેમણે મારીબ પ્રાંતમાં સાઉદી અરેબિયાનું F-15 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. હૂથી પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું કે જેટને સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. હૂથીઓએ આ ઘટનાનો ચાર મિનિટનો વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં જેટને નિશાન બનાવ્યા બાદ કાટમાળમાં આગ અને ધુમાડો જોવા મળે છે. તેની આસપાસ હથિયારધારી લડવૈયાઓ પણ દેખાઈ રહ્યા છે. જોકે, સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને આ દાવા અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મક્કા પર ડ્રોન હુમલાનો દાવો
સાઉદી અરેબિયાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે હૂથીઓએ ઇસ્લામના પવિત્ર શહેર મક્કા પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાઉદીના જણાવ્યા અનુસાર, રોયલ સાઉદી એર ડિફેન્સે ડ્રોનને હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધું હતું. સાઉદીએ મક્કાને ‘રેડ લાઇન’ ગણાવી છે. બીજી તરફ, હૂથીઓએ મક્કા પર ડ્રોન હુમલાના સાઉદીના આરોપને નકારી કાઢ્યો છે અને તેને ખોટો ગણાવ્યો છે.
હૂથી હુમલાથી ક્રૂડ ઓઇલ પર પણ અસર
હૂથીઓ અને સાઉદી અરેબિયા વચ્ચેનો સંઘર્ષ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક મોરચા તરીકે સામે આવ્યો છે. હૂથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજો તેમજ સાઉદી અરેબિયાના મહત્ત્વપૂર્ણ માળખાઓને નિશાન બનાવી રહ્યા હોવાના અહેવાલ છે. આ હુમલાઓને કારણે સાઉદીની એક મહત્ત્વપૂર્ણ પાઇપલાઇન બંધ હોવાની માહિતી છે. તેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર પણ અસર પડી રહી છે અને તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર જળવાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.








