Sakti Boiler Blast: છત્તીસગઢના સક્તી જિલ્લામાં મંગળવારે બપોરે એક ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘીતરાઈ સ્થિત વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 મજૂરોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 30 થી 40 જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
કામકાજ દરમિયાન અચાનક સર્જાયો કાળમુખો વિસ્ફોટ
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંઘીતરાઈ સ્થિત વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે હંમેશની જેમ સામાન્ય કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક બોઈલરની ટ્યુબ ફાટવાને કારણે ભીષણ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પ્લાન્ટ પરિસરમાં આગ અને ગરમ વરાળના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. પ્લાન્ટમાં કામ કરી રહેલા મજૂરો કંઈ સમજે તે પહેલા જ કાળમુખી વરાળની ઝપેટમાં આવી ગયા હતા. એસપી પ્રફુલ્લ ઠાકુરે પુષ્ટિ કરી છે કે બોઈલરની ટ્યુબ ફાટવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
હોસ્પિટલોમાં ઈમરજન્સી, વેન્ટિલેટર ખૂટી પડ્યા
દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા 18 મજૂરોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં લાવવામાં આવેલા 18 પૈકી 6 મજૂરોએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે, જ્યારે બાકીના 12ની હાલત અત્યંત નાજુક છે. જિંદલ હોસ્પિટલમાં દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા વધતા વેન્ટિલેટરની અછત સર્જાઈ હતી, જેના કારણે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખરસિયાની પદ્માવતી હોસ્પિટલ અને અન્ય તબીબી સુવિધાઓમાં રિફર કરવામાં આવ્યા છે.
પરિવારજનોનો હોબાળો અને પ્રશાસનની કાર્યવાહી
ઘટનાના સમાચાર મળતા જ પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારજનોના ટોળા ઉમટી પડ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયેલા પોતાના સ્વજનોને મળવા દેવાની માંગ સાથે પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડવા માટે એડિશનલ એસપી સહિત મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સક્તી કલેક્ટર અમૃત વિકાસ તોપનોએ પણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજકીય પ્રતિક્રિયા અને તપાસના આદેશ
આ દુર્ઘટના અંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ સોશિયલ મીડિયા દ્વારા પીડિતોને યોગ્ય વળતર અને શ્રેષ્ઠ સારવાર આપવા સરકારને અપીલ કરી છે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
છત્તીસગઢના શ્રમ મંત્રી લખનલાલ દેવાંગને આ અકસ્માતને ગંભીરતાથી લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે જે પ્લાન્ટ મેનેજમેન્ટ, કોન્ટ્રાક્ટરો અને સલામતીના ધોરણોની તપાસ કરશે. મંત્રીએ ખાતરી આપી છે કે શ્રમ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર અપાશે.
ઔદ્યોગિક સલામતી સામે ઉઠ્યા સવાલો
આ ભયાનક અકસ્માતે ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મજૂરોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને મજૂર સંગઠનોમાં ભારે આક્રોશ છે. પ્રાથમિક તપાસમાં બોઈલર ટ્યુબ ફાટવાની વાત સામે આવી છે, પરંતુ વિગતવાર ટેકનિકલ તપાસ બાદ જ ખબર પડશે કે શું આ માનવીય ભૂલ હતી કે મશીનરીની જાળવણીમાં રાખવામાં આવેલી બેદરકારી. હાલમાં સમગ્ર પ્લાન્ટ પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે અને ફોરેન્સિક ટીમો પુરાવા એકત્ર કરી રહી છે.








