Qatar Cuts Gas Supply To India: પશ્ચિમ એશિયામાં ભભૂકી ઉઠેલા યુદ્ધની ભયાનક અસર હવે ભારતના રસોડાથી લઈને ઉદ્યોગો સુધી દેખાવા લાગી છે. ઈરાન દ્વારા કતારમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો અને વિશ્વના સૌથી મોટા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા વિનાશક હુમલાના પગલે કતારે ભારતને થતી ગેસ નિકાસમાં 40 ટકા સુધીનો જંગી ઘટાડો કર્યો છે. કતાર વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસ ઉત્પાદક દેશ હોવાથી, આ હુમલાએ વૈશ્વિક ઉર્જા બજારમાં ભૂકંપ લાવી દીધો છે.
એનર્જી પ્લાન્ટ્સ પર ડ્રોન અને મિસાઈલ હુમલા
સોમવારે ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાનો બદલો લેવા માટે કતારના બે મુખ્ય ઔદ્યોગિક શહેરો, રાસ લફાન અને મેસાઈદને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સીધા LNG ઉત્પાદન એકમો પર ત્રાટક્યા હતા. હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે સુરક્ષાના કારણોસર કતારે તાત્કાલિક અસરથી તેના પ્લાન્ટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહીને કારણે ભારત સહિત અનેક દેશોનો ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં નાકેબંધી
યુદ્ધને કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર ઈરાને પોતાનું નિયંત્રણ મજબૂત કર્યું છે. ભારતની આશરે 50% ક્રૂડ ઓઈલની આયાત અને 54% LNG પુરવઠો આ સાંકડી સમુદ્રધૂનીમાંથી પસાર થાય છે. હાલમાં આ માર્ગ પરથી શિપમેન્ટ લગભગ બંધ થઈ ગયું છે. વીમા કંપનીઓએ યુદ્ધ-જોખમ હેઠળ શિપિંગ ખર્ચમાં તોતિંગ વધારો કર્યો છે, જેનાથી આયાત વધુ મોંઘી બની છે. ભારત વાર્ષિક 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 40% હિસ્સો એકલું કતાર પૂરું પાડે છે.
ઉદ્યોગો અને CNG પર કાપની અસર
ભારતની અગ્રણી ગેસ આયાતકાર કંપની 'પેટ્રોનેટ એલએનજી લિમિટેડ' એ ગેઈલ (GAIL) અને ઈન્ડિયન ઓઈલ (IOC) જેવી માર્કેટિંગ કંપનીઓને સપ્લાય રોકવા અંગે જાણ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેસ માર્કેટર્સે ઘરેલુ CNG વિતરણ માટે ફ્લો રેટ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉદ્યોગોને અપાતા સપ્લાયમાં 10 થી 40 ટકાનો મોટો કાપ મૂક્યો છે. આ કાપને કારણે વીજ ઉત્પાદન, ખાતર ફેક્ટરીઓ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર જોખમ ઊભું થયું છે.
મોંઘા ભાવે ગેસ ખરીદવાની નોબત
પેટ્રોનેટ પાસે કતાર સાથે વાર્ષિક 8.5 મિલિયન ટન ગેસનો લાંબા ગાળાનો કરાર છે, પરંતુ પ્લાન્ટ બંધ થતા હવે 'સ્પોટ માર્કેટ' (વર્તમાન બજાર) પર નિર્ભર રહેવું પડશે. અત્યારે હાજર બજારમાં LNG ના ભાવ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) $25 પર પહોંચી ગયા છે, જે લાંબા ગાળાના કરારના દર કરતા લગભગ બમણા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો ભારતમાં સીએનજી અને પીએનજી (રાંધણ ગેસ) ના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે. ભારત સરકાર હાલમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો અને અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંઘર્ષને જોતા સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ રહી છે.








