Narendra Modi 25 Years Governance:દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સરકારના વડા તરીકે એટલે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પદ પર સફળતાપૂર્વક 25 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા નરેન્દ્ર મોદીએ આજે જાહેર જીવનમાં સુશાસન અને પ્રજાકલ્યાણના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક તક પર નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપતા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓનો આભાર માન્યો હતો અને પોતાની આ પાંચ દાયકાની સફર અંગે ભાવુક વિચારો વ્યક્ત કર્યા હતા.

'જીવનમાં શું બનીશ, તે ક્યારેય વિચાર્યું નહોતું': PM મોદીનું વક્તવ્ય
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું ક્યારેય કોઈ એમ્બિશન (મહત્વાકાંક્ષા) માટે જીવનારો માણસ નથી રહ્યો, પરંતુ એક સમર્પિત મિશન માટે જીવનારો માનવી છું. મેં મારા જીવનમાં ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મોટો થઈને શું બનીશ, પરંતુ હંમેશાં એ જ વિચાર્યું છે કે હું દેશ અને સમાજ માટે શું કરી શકું. જ્યારે હું ભૂતકાળ તરફ વળીને જોઉં છું, ત્યારે મારા હૃદયમાં માત્ર અને માત્ર કૃતજ્ઞતા અને આભારનો ભાવ જ જાગે છે."
આજે દેશમાં 'મેડ ઇન ઇન્ડિયા' સ્માર્ટફોનનો ડંકો વાગી રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "દરેક ક્ષેત્રમાં ભારત શિરમોર બની રહ્યું છે અને ટેકનોલોજી, રમતગમત તેમજ ઉદ્યોગ જગતમાં ભારતનો તિરંગો સન્માનભેર લહેરાઈ રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતીય પાઇલટ્સની કાબેલિયતની પ્રશંસા થઈ રહી છે અને એક દિવસ એવો પણ આવશે જ્યારે વિશ્વભરમાં 'મેડ ઇન ઇન્ડિયા' વિમાનોની ચર્ચા થશે. આ મહાન લક્ષ્યો ત્યારે જ પૂર્ણ થશે જ્યારે આપણે દુરંદેશી નીતિઓ બનાવીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીશું. હવે આ સમય આરામ કરવાનો નથી, પરંતુ નવી સોચ સાથે આગળ વધવાનો અને દેશ માટે પોતાને સમર્પિત કરી દેવાનો છે. આજે ભારતમાં જે વિશાળ યુવાધન છે, તે ઇતિહાસે આપણને આપેલી એક સુવર્ણ તક છે જેને આપણે કોઈ પણ ભોગે ગુમાવવાની નથી."
તેમણે ઉમેર્યું હતું કે, "આપણા દિલના દરેક ધબકારામાં એક જ સંકલ્પ ગૂંજવો જોઈએ કે આપણે પ્રાચીન ભારત આધારિત વૈશ્વિક ગૌરવને પુનર્જીવિત કરવાનું છે. એક સમયે ભારત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરતું હતું, પરંતુ સમયનું ચક્ર બદલાયું, ગુલામીનો કાળખંડ આવ્યો અને ભારતને લૂંટીને બરબાદ કરવામાં આવ્યું. જે ભારતે સમગ્ર વિશ્વને જ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો, તેના સમૃદ્ધ પુસ્તકાલયો બાળી નાખવામાં આવ્યા અને દુષ્કાળ તેમજ અનેક હોનારતો આવી, તેમ છતાં મા ભારતીના સંતાનોની હિંમત અને સાહસ ક્યારેય તૂટ્યા નથી. આજે દેશમાં 'મેડ ઇન ઇન્ડિયા' સ્માર્ટફોનનો ડંકો વાગી રહ્યો છે. એક સમયે ભારતમાં બ્લેકઆઉટના સમાચારો હેડલાઇન બનતા હતા, જ્યારે આજે સોલાર પાવર ક્ષેત્રે ભારતની સિદ્ધિઓની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. કૃષિ ક્ષેત્રનું ઉદાહરણ આપતા તેમણે નોંધ્યું હતું કે આઝાદી પછી જો કોઈ દાયકામાં ખેતીનો વિકાસ દર સૌથી વધુ રહ્યો હોય તો તે 2015થી 2025ના દાયકાનો રહ્યો છે."
'વી વિલ ડૂ ઇટ' ના મંત્રથી ગુજરાતે આ કરીને બતાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "આપણે આ રાષ્ટ્રમાં જન્મ લીધો છે, એ અહેસાસ જ અમૃત સમાન છે. તેની સામે સત્તાનું સુખ કંઈ જ નથી. પદ અને પ્રતિષ્ઠા તો ગમે ત્યાં મળી શકે છે, પરંતુ ભારત જેવી પુણ્યભૂમિ ક્યાંય મળી શકે નહીં. જે ભારતે અંધકારના યુગમાં પણ માનવતાને જ્ઞાન આપ્યું અને ઉચ્ચ મૂલ્યોનો પ્રકાશ પથરાવ્યો, તેની સેવાની તક મળવી એ અત્યંત અમૂલ્ય છે. આ 25 વર્ષનું સાચું આકલન એનાથી નહીં થાય કે હું ક્યાં પહોંચ્યો, પરંતુ એનાથી થશે કે મારો દેશ ક્યાં પહોંચ્યો છે."
પોતાની શાસન સફરને યાદ કરતા PM મોદીએ ઉમેર્યું કે, "જ્યારે હું પ્રથમવાર ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મારી પાસે વહીવટી વ્યવસ્થાનું બહુ જ્ઞાન નહોતું, ત્યારે મને માત્ર દેશની જનશક્તિ પર પૂરો ભરોસો હતો. આ વિશ્વાસને જ મેં મારી ખરી શક્તિ બનાવી. મેં જનતાને સાથે રાખીને નિર્ણયો લીધા, નીતિઓ બનાવી અને તેનો યોગ્ય અમલ કરાવ્યો. જ્યારે જનતા સાથે હોય ત્યારે પરિણામો આપોઆપ મળે છે અને 'વી વિલ ડૂ ઇટ' ના મંત્રથી ગુજરાતે આ કરીને બતાવ્યું. આજે ગુજરાત જ્યાં પહોંચ્યું છે તેના ઉદાહરણો સમગ્ર વિશ્વ આપી રહ્યું છે. ગુજરાતમાંથી મને જે અનુભવ મળ્યો, તેણે ઘણું બધું શીખવ્યું અને એ અનુભવ આજે પણ મારા કામમાં આવી રહ્યો છે. 2014માં મારી જવાબદારીનો વિસ્તાર થયો અને મારો વ્યાપ વધારી દેવામાં આવ્યો."
તેમણે આગળ જણાવ્યું કે, "2014માં જ્યારે મેં દેશનું સુકાન સંભાળ્યું ત્યારે વિકરાળ પડકારો દેશ સામે ઊભા હતા અને ભારતનો દરેક નાગરિક એક નવો રસ્તો શોધી રહ્યો હતો. તે સમયે ભારતની અર્થવ્યવસ્થા અંગે વિશ્વના નિષ્ણાતો કહેવા લાગ્યા હતા કે 'ઇટ્સ અ ગોન કેસ' (આ હવે ઉગરી શકે તેમ નથી). ઘોર નિરાશામાં ડૂબેલા દેશને એક નવી આશાના કિરણની જરૂર હતી. ત્યારે મેં એ જ કામ કર્યું જે મને સૌથી સારું આવડતું હતું. મેં દેશવાસીઓ સાથે મળીને કામ કર્યું અને તેમની સાથે ફરી એકવાર દોહરાવ્યું - 'વી વિલ ડૂ ઇટ'. આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે."
"મારા જીવનનો એક જ ધ્યેય રહ્યો છે - દેશ માટે નિઃસ્વાર્થ કર્મ" : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "હું મારી આ યાત્રાના તબક્કે પ્રત્યેક સ્વયંસેવક અને સહયોગી કાર્યકર્તાને આદરપૂર્વક નમન કરું છું. આજનો આ દિવસ માત્ર જૂની યાદો તાજી કરવાનો નથી, પરંતુ આપણા સંકલ્પોને નવી ઊર્જાથી ભરવાનો દિવસ છે. આ દિવસ એ વચનને પુનરાવર્તિત કરવાનો અને 'અમે કરીને જ જંપીશું' (વી વિલ ડૂ ઇટ) ના દ્રઢ ઈરાદાને વ્યક્ત કરવાનો છે. લાલ કિલ્લા પરથી મેં 'સૌના પ્રયાસ'ની વાત કરી હતી. ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે જે જુસ્સો જોઈએ છે તે એક જ સંદેશ આપે છે કે અમે આ સિદ્ધ કરીને જ રહીશું."
તેમણે 'વિકસિત ભારત 2047- વી વિલ ડૂ ઇટ', 'ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા - વી વિલ ડૂ ઇટ', 'આત્મનિર્ભર ભારત - વી વિલ ડૂ ઇટ', 'ઓલિમ્પિક્સનું આયોજન - વી વિલ ડૂ ઇટ' અને 'અંતરિક્ષમાં ભારતનું કદમ - વી વિલ ડૂ ઇટ' ના નારા પણ લગાવડાવ્યા હતા. PM મોદીએ ઉમેર્યું હતું કે, "આ ઊર્જા અને આત્મવિશ્વાસ અદ્ભુત છે. જ્યાં આ વાતો લોહી બનીને દોડે છે, તેમને કોઈ રોકી શકતું નથી. આ 25 વર્ષની યાત્રાને લોકો સિદ્ધિ માને છે, પરંતુ મારૂં કામ હંમેશાં એક સંગઠનકર્તાનું જ રહ્યું છે. મેં અન્યોને ચૂંટણી લડાવી હતી, પણ પોતે ક્યારેય લડી નહોતી. જો ચૂંટણીલક્ષી રાજકારણમાં ચમકવાની ઈચ્છા હોત તો હું ઘણો સમય પહેલાં જ મેદાનમાં ઉતરી શક્યો હોત, પણ એ મારો સ્વભાવ નહોતો. બાળપણથી જે સંસ્કાર મળ્યા છે તેના કારણે હું મહત્વાકાંક્ષા (એમ્બિશન) માટે નહીં પરંતુ એક લક્ષ્ય (મિશન) માટે જીવનારો માનવી રહ્યો છું."
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "મારા જીવનનો એક જ ધ્યેય રહ્યો છે - દેશ માટે નિઃસ્વાર્થ કર્મ. મારા માટે કર્મ જ સર્વસ્વ છે અને કર્મ જ મારો ધર્મ છે. ભગવદ્ ગીતાએ આપણને 'કર્મણ્યે વાધિકારસ્તે' નો પાઠ ભણાવ્યો છે, તેથી હું પ્રત્યેક કર્મ મારી પૂરી ક્ષમતા સાથે કરતો રહું છું. આ રાષ્ટ્રમાં આપણો જન્મ થયો છે એ અહેસાસ જ અમૃત સમાન છે, જેની સામે સત્તાસુખ કંઈ જ નથી. પદ અને પ્રતિષ્ઠા તો ગમે ત્યાં મળી શકે, પરંતુ ભારત જેવી પુણ્યભૂમિ ક્યાંય ન મળી શકે. જે ભારતે અંધકારના યુગમાં પણ માનવતાને જ્ઞાન અને મૂલ્યોનો પ્રકાશ આપ્યો, તેની સેવાની તક મળવી એ અમૂલ્ય છે. આ ૨૫ વર્ષનું આકલન હું ક્યાં પહોંચ્યો તેનાથી નહીં, પરંતુ મારો દેશ ક્યાં પહોંચ્યો તેનાથી થશે."
'સપના હંમેશાં મોટા અને હિંમત બુલંદ હોવી જોઈએ': મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "ચંદ્રયાને મને નિષ્ફળતામાંથી ફરી બેઠા થતાં શીખવ્યું, તો કોરોનાએ સામૂહિક ચેતનાનો પાઠ ભણાવ્યો. મીડિયાના ખાટા-મીઠા અનુભવોએ મને સતત આગળ વધવાની પ્રેરણા આપી. દેશના દરેક ગામડાં અને ગરીબ નાગરિકે મને શીખવ્યું કે સાધન-સંસાધનો ભલે મર્યાદિત હોય, પરંતુ સપના હંમેશાં મોટા અને હિંમત બુલંદ હોવી જોઈએ. મેં ઈશ્વર પાસે હંમેશાં એ જ પ્રાર્થના કરી છે કે મારામાં શીખવાની વૃત્તિ ક્યારેય ઓછી ન થાય. ભૂતકાળ તરફ વળીને જોઉં છું ત્યારે હૃદયમાં માત્ર આભારનો ભાવ જાગે છે. જે લોકોએ મને પાડવાનો પ્રયાસ કર્યો, તેમણે જ મને મજબૂતીથી ઊભા થતાં શીખવ્યું અને જેમણે મારો વિરોધ કર્યો, તેમણે મને લોકશાહીની વાસ્તવિક તાકાત સમજાવી. દરેક સંકટ મારા ધૈર્યની પરીક્ષા રહ્યું અને દરેક સિદ્ધિએ મને વધુ મોટા લક્ષ્યો તરફ આગળ વધવાનું સામર્થ્ય આપ્યું છે."
તેમણે ઉમેર્યું કે, "આ 25 વર્ષનો જનવિશ્વાસ અને અનુભવ એક મોટી મૂડી છે, જે સમગ્ર દેશની છે અને માં ભારતીના દરેક સંતાનનો તેના પર અધિકાર છે. મને આજે પણ યાદ છે જ્યારે હું વડનગરની શાળામાં ભણતો હતો, ત્યારે શિક્ષકો અવનવી રીતે ભણાવતા અને વર્ગમાં સૌથી પહેલા પહોંચનારા વિદ્યાર્થીઓમાં મારું નામ રહેતું. શીખવાની એ તીવ્ર લાલસા આજે પણ મારામાં જીવંત છે અને હું મારી જાતને આજે પણ એક વિદ્યાર્થી જ માનું છું. મારા માટે દેશની જનતા જ જનાર્દન એટલે કે ઈશ્વરનું સ્વરૂપ છે અને કરોડો દેશવાસીઓનો અડીખમ વિશ્વાસ જ મારી ખરી શક્તિ રહ્યો છે. દેશના નાગરિકોનો જ મારા પર સૌથી મોટો અધિકાર છે. મેં 140 કરોડ ભારતવાસીઓ માટે પ્રાર્થના કરી છે કે પરમાત્મા મને વધુ ઊર્જા સાથે દેશવાસીઓની દિન-રાત સેવા કરવાની શક્તિ આપે. આજે હું જાહેર જીવનમાં જે કંઈ પણ છું, તેમાં સૌથી મોટું યોગદાન જનતા જનાર્દનનું જ છે."
મોદી બોલ્યા - મે 7 ઓક્ટોબરે ગુજરાતના CM તરીકે શપથ લીધા હતા
બાઈકર્સ વડનગરના હાટકેશ્વર મંદિરમાં જલાભિષેક કરશે
બુધવારે સવારે 8 વાગ્યે બાઇકર્સ વારાણસીથી લાવવામાં આવેલા પવિત્ર જળ વડે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક કરશે. આ પછી, તેઓ સ્થાનિક નાગરિકો સાથે પ્રધાનમંત્રીના 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળશે. બપોરે 12.30 વાગ્યે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે સામૂહિક વૃક્ષારોપણ માટે એકઠા થશે. વૃક્ષારોપણ બાદ તેઓ 'અનુભવાત્મક સંગ્રહાલય' (અનંત અનાદિ વડનગર) ની મુલાકાત લેશે, જ્યાં વડનગરના ગૌરવશાળી ઇતિહાસ અને પ્રાચીન વિરાસતની અનોખી ઝાંખી જોવા મળે છે.
500 બાઇક સવારો મંગળવારે વડનગર આવી પહોંચ્યા
સેવા યાત્રા અંતર્ગત વારાણસીથી રવાના થયેલા આશરે 500 બાઇક સવારો મંગળવારે વડનગર આવી પહોંચ્યા હતા. આ બાઇકર્સના સ્વાગત માટે શહેરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. સાંજે આ તમામ બાઇકર્સ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત ભવ્ય મહાઆરતીમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ગુજરાતની સમૃદ્ધ વિરાસત અને પરંપરાઓને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
જેણે પાડી દીધો, તેણે જ મને ઊભા થતાં શીખવ્યું
પોતાના 25 વર્ષના રાજકીય અને જાહેર જીવનના અનુભવો શેર કરતા PM મોદીએ ઉમેર્યું કે, "મારા જીવનની દરેક નાની-મોટી ઘટનાએ મને કંઈક ને કંઈક નવું શીખવ્યું છે. આ ઘટનાઓએ મને વધુ નમ્ર બનતા શીખવ્યું છે. જે લોકોએ મને નીચે પાડવાનો કે રોકવાનો પ્રયાસ કર્યો, તે દરેક પરિસ્થિતિએ મને ફરીથી મજબૂતીથી ઊભા થતાં શીખવ્યું છે. જે લોકોએ રાજકીય રીતે મારો વિરોધ કર્યો, તેમણે જ મને વાસ્તવિક અર્થમાં ભારતીય લોકશાહીની મહાન શક્તિ અને તાકાત શું છે તે સમજાવી છે."

દરેક સંકટ ધૈર્યની પરીક્ષા અને દરેક સિદ્ધિ નવો સંકલ્પ
પોતાના કાર્યકાળ દરમિયાન આવેલા પડકારો અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, "જાહેર જીવનમાં મારી સામે આવેલું દરેક સંકટ મારા ધૈર્ય, સહનશીલતા અને સંતોષની પરીક્ષા સમાન રહ્યું છે. જ્યારે પણ ઈશ્વર અને જનતાના આશીર્વાદથી કોઈ મોટું લક્ષ્ય કે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તેણે મને દેશ માટે વધુ મોટા અને કઠિન લક્ષ્યો તરફ આગળ વધવાનું સામર્થ્ય અને શક્તિ પૂરી પાડી છે. મેં ઈશ્વર પાસે હંમેશાં એ જ પ્રાર્થના કરી છે કે મારામાં શીખવાની વૃત્તિ અને જિજ્ઞાસા ક્યારેય ઓછી ન થાય."

આધ્યાત્મિક શ્રદ્ધા અને વિકસિત ભારત 2047નો મજબૂત સંકલ્પ
આ વિશેષ કાર્યક્રમમાં પ્રવેશતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પોતાના સંબોધનના અંતે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ૨૫ વર્ષની આ સફર માત્ર એક તબક્કો છે અને તેમનું આખરી લક્ષ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક સંપૂર્ણ 'વિકસિત ભારત' (Developed India) બનાવવાનું છે. દેશના ખૂણેખૂણેથી આવેલા નાગરિકો અને પક્ષના કાર્યકરોએ PM મોદીની આ પંચવિશંતિ સફરને શાસન અને સેવાનો સુવર્ણ કાળ ગણાવ્યો હતો.








