PM Modi Vadodara Visit: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનોખા અંદાજમાં એન્ટ્રી કરી હતી. Y-આકારના સ્ટેજ પર રેમ્પ વૉક કરીને તેમણે Gen-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અભિવાદન ઝીલ્યું હતું. આ દરમિયાન ‘હીરા બાના લાલ, મારા ભારતના લાલ’ ગીત સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ સ્ટેજ પરથી બે વ્યક્તિઓ પાસેથી ચિત્ર પણ મંગાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ‘મોદી-મોદી’ના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા.
₹35,200 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડોદરાના કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ₹35,200 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં તેમણે વડોદરાના નાગરિકોને સ્વચ્છતા અભિયાન માટે અભિનંદન આપ્યા હતા. મોદીએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે તેઓ ગુજરાત આવ્યા છે અને વડોદરાએ જે સ્વચ્છતા સાથે તેમનું સ્વાગત કર્યું છે તે પ્રશંસનીય છે.
ફ્રેઇટ કોરિડોરથી માલ પરિવહનને મળશે નવી ગતિ
પીએમ મોદીએ પશ્ચિમ અને પૂર્વ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશની કામ કરવાની પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે. તેમણે જણાવ્યું કે 2014 બાદ ફ્રેઇટ કોરિડોરના કામને ગતિ આપવામાં આવી અને અત્યાર સુધીમાં આશરે 2,500 કિમીનું કામ પૂર્ણ થયું છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેઇટ કોરિડોર પર 430થી વધુ માલગાડીઓ દોડી રહી છે. મોદીએ કહ્યું કે અગાઉ 100 કિમીની મુસાફરીમાં માલગાડીને લગભગ સાડા છ કલાક લાગતા હતા, જ્યારે હવે આ સમય લગભગ અડધો થઈ રહ્યો છે. ટ્રક મારફતે જે માલ પહોંચાડવામાં 30 કલાક લાગતા હતા ત્યાં હવે 10થી 12 કલાકમાં પરિવહન શક્ય બન્યું છે. JNPTથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે એક ટ્રેનમાં 250થી વધુ ટ્રક જેટલો માલ લઈ જઈ શકાય છે.
‘નારાજ ફુફાજી બૂમો પાડશે’, મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ
Gen-Zને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે ‘નારાજ ફુફાજી છે, તે ફરી બૂમો પાડશે.’ તેમણે કહ્યું કે 2014 બાદ દેશમાં 50 હજાર આધુનિક રેલ કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે અગાઉની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી નહોતી. તેમણે મેડ ઇન ઇન્ડિયા હેઠળ રેલ કોચ, મેટ્રો કોચ અને એન્જિનના ઉત્પાદનને ભારતની આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે આવતા વર્ષે મે-જૂન દરમિયાન બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય છે. પીએમ મોદીએ વડોદરાને મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇટના મેન્યુફેક્ચરિંગ માટે પણ અભિનંદન આપ્યા હતા.
AI, સ્કિલ અને યુવાનોના ભવિષ્ય પર મોદીની વાત
મોદીએ કહ્યું કે આગામી સમયમાં ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. ડિગ્રી સાથે સ્કિલનું મહત્વ વધી રહ્યું હોવાનું જણાવી તેમણે નવી શિક્ષણ નીતિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન ફ્રી કોચિંગની દિશામાં ચાલી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું છે અને આ યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આત્મનિર્ભરતાની વાત કરતાં મોદીએ સોલાર એનર્જી અને ભારતમાં બનેલા PV મોડ્યુલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશમાં સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધી રહી છે અને ગુજરાતમાં 11 લાખ પરિવારો PM સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.
‘વડોદરાને હવે ગંદુ થવા જ નથી દેવું’
સંબોધનના અંતે પીએમ મોદીએ ગુજરાતીમાં વડોદરાના લોકોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું, ‘મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું.’ તેમણે લોકોને પોતે ગંદકી નહીં કરવાની પ્રતિજ્ઞા લેવા અને દિવાળી સ્વચ્છ રીતે ઉજવવા અપીલ કરી હતી. ત્યારબાદ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે તેમણે સંબોધન પૂર્ણ કર્યું.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુજરાત વિકાસમાં લીડ લેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મળીને 16 લાખ પાકા મકાનો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત ડબલ એન્જિન સરકારના માધ્યમથી સતત આગળ વધી રહ્યું છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યમાં વિકસિત ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે.








