PM Modi Slams Terrorism at Bishkek SCO Summit: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ સામે કોઈપણ પ્રકારના બેવડા ધોરણો ન હોવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે માત્ર આતંકવાદીઓ સામે કાર્યવાહી પૂરતી નથી, પરંતુ તેમની સમગ્ર ઇકોસિસ્ટમને નષ્ટ કરવી જરૂરી છે.
‘આતંકવાદ કોઈ દેશની વ્યૂહાત્મક સંપત્તિ ન બની શકે’
રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે જે દેશો આતંકવાદને પોતાની નીતિના સાધન તરીકે ઉપયોગ કરે છે અથવા આતંકવાદીઓને આશ્રય અને મદદ આપે છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ ક્યારેય કોઈ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ બની શકે નહીં. આતંકવાદ સામેની લડાઈમાં તમામ દેશોએ એકસાથે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કાર્યવાહી કરવી જોઈએ.
પશ્ચિમ એશિયાના સંઘર્ષથી વૈશ્વિક સુરક્ષા પર અસર
વૈશ્વિક સુરક્ષાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજની ડિજિટલ અને પરસ્પર જોડાયેલી દુનિયામાં સુરક્ષાની સીમાઓ પણ વિસ્તરી છે. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈ એક વિસ્તારમાં થતી હિંસાની અસર સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈન પર પડી શકે છે. તેનો સૌથી મોટો પ્રભાવ ગ્લોબલ સાઉથના દેશો પર પડે છે.
ડ્રગ્સ અને સંગઠિત અપરાધ સામે પણ કડક વલણ
પીએમ મોદીએ યુવાનોના ભવિષ્ય અને પ્રાદેશિક સુરક્ષા માટે નશાકારક પદાર્થોની તસ્કરીને ગંભીર ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ડ્રગ્સની તસ્કરી માત્ર ગુનો નથી, પરંતુ નવી પેઢીના ભવિષ્ય માટે મોટો ખતરો છે. SCO દ્વારા સંગઠિત અપરાધ, સાયબર સુરક્ષા અને ડ્રગ્સ કંટ્રોલ માટે ઉભા કરવામાં આવી રહેલા કેન્દ્રોને વધુ સક્રિય બનાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
કનેક્ટિવિટી માટે સાર્વભૌમત્વનું સન્માન જરૂરી
દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ભારત વેપાર અને વિકાસ માટે નવા માર્ગોને સમર્થન આપે છે. જોકે, કોઈપણ કનેક્ટિવિટી પહેલમાં તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન થવું જોઈએ. તેમણે કહ્યું કે ભવિષ્યમાં માત્ર રોડ અને રેલવે કનેક્ટિવિટી જ નહીં, પરંતુ ડિજિટલ પ્રક્રિયાઓ અને કસ્ટમ્સને સરળ બનાવીને પણ દેશો વચ્ચેના જોડાણને મજબૂત કરવું જોઈએ.
યુવાનો, ખેડૂતો અને વેપારીઓને સીધો લાભ મળવો જોઈએ
પીએમ મોદીએ SCOના નિર્ણયોમાં સામાન્ય નાગરિકોને કેન્દ્રમાં રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંગઠનના નિર્ણયોનો સીધો લાભ યુવાનો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. આગામી 25 વર્ષોમાં લોકો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને SCOના એજન્ડામાં વધુ મહત્વ આપવાની પણ તેમણે વાત કરી હતી.
મોદીની પુતિન અને જિનપિંગ સાથે મુલાકાત
SCO સમિટના ફોટો સેશન પહેલાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત બિશ્કેક પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.








