PM Modi Meets Iranian President Pezeshkian: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. ઈરાન સાથે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હોવાનું જણાવાયું છે. બેઠક દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી.
યુદ્ધ વચ્ચે મોદી-પેઝેશ્કિયાનની મુલાકાત કેમ મહત્વની?
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે સમગ્ર વિસ્તારમાં ભૂરાજકીય તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈરાનના ટોચના નેતાઓ વચ્ચેની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અગાઉ ઈરાનના મહત્વપૂર્ણ વેપારી ભાગીદારોમાં સામેલ રહ્યું છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડાયેલી પરિસ્થિતિ અને ઈરાન પરના અમેરિકન પ્રતિબંધોની અસર બંને દેશોના વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ પર પડી છે. જૂનમાં પણ PM મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તે દરમિયાન મોદીએ સંઘર્ષના ઉકેલ માટે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું હતું અને પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ તથા સ્થિરતા માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઈરાનનું સ્પષ્ટ વલણ- યુદ્ધ નથી ઈચ્છતા, હુમલો થશે તો જવાબ આપીશું
મસૂદ પેઝેશ્કિયાને વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાન યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ તેના પર કોઈ હુમલો થશે તો તે તેનો જવાબ આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં વધતી અશાંતિ તમામ દેશો માટે નુકસાનકારક છે. આર્થિક વિકાસ અને પ્રાદેશિક સુરક્ષાના હેતુઓ હાંસલ કરવા માટે દેશોએ સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી છે.
PM મોદીની આર્મેનિયાના વડાપ્રધાન સાથે પણ મુલાકાત
SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, અર્થતંત્ર, ફાર્મા, વિજ્ઞાન-ટેક્નોલોજી અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોની આપ-લે થઈ હતી.
પુતિન સાથે પણ મુલાકાતની શક્યતા
SCO સમિટ દરમિયાન PM મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે. આ ઉપરાંત કિર્ગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જપારોવના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 6ઠ્ઠી વર્લ્ડ નોમાડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપવાના છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતની ઈરાન સાથેની આ ઉચ્ચસ્તરીય મુલાકાતને રાજદ્વારી દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








