PM Modi Inaugurates Country's First AI-Enabled BJP Office 'Namo Kamalam' in Navsari: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ ખાતે આવી પહોંચતા જ તેમનું અત્યંત પરંપરાગત અને ઉત્સાહસભર શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમન ટાણે 1100 જેટલી મહિલાઓએ શિર પર પવિત્ર કળશ ધારણ કરી શાસ્ત્રોક્ત વાતાવરણ સર્જ્યું હતું. આ સાથે જ 500 પુરુષો દ્વારા કરવામાં આવેલા ડમરુ નાદ અને ઢોલ-ત્રાંસાના ધમસાણથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો. દેશના વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સજ્જ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાસજ્જ ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ આધુનિક કાર્યાલય ભાજપના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા અને ટેકનોલોજીના માધ્યમથી કાર્યકર્તાઓને સજ્જ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.
આધુનિક સંકુલ, હાઇટેક લાયબ્રેરી અને ડિજિટલ કોલ સેન્ટરનું નિરીક્ષણ
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને નવનિર્મિત ‘નમો કમલમ’ સંકુલની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે કાર્યાલયમાં તૈયાર કરવામાં આવેલા આધુનિક મીડિયા રૂમ, ડિજિટલ કોલ સેન્ટર, હાઇટેક પુસ્તકાલય (લાઇબ્રેરી) તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ માટે નિર્માણ કરાયેલી વિશેષ કેબિનોની કાર્યપ્રણાલી વિશે માહિતી મેળવી. આ ઉપરાંત તેમણે સંકુલમાં આવેલા પંડિત દીનદયાળ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ સભાખંડની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી.
5000થી વધુ પદાધિકારીઓ હાજર, 389 ગામોમાં 1.15 લાખ લોકો સાક્ષી બન્યા
આ ગૌરવપૂર્ણ પ્રસંગે કાર્યક્રમ સ્થળે ભાજપના 5000થી વધુ નાના-મોટા પદાધિકારીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓ હાજર રહ્યા તેમજ ગ્રામીણ ક્ષેત્રની જનતા પણ આ યાદગાર ક્ષણની સાક્ષી બની શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 389 ગામોમાં 4000થી વધુ ડિજિટલ સ્ક્રીન ગોઠવવામાં આવી, જેના માધ્યમથી 1.15 લાખથી વધુ લોકોએ પોતાના ગામમાં બેઠા-બેઠા આ સમગ્ર કાર્યક્રમનું સીધું જીવંત પ્રસારણ (Live Streaming) નિહાળ્યું હતું.








