Philippines Ferry Fire: ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરેલી એક ફેરીમાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પલાવાન ટાપુ નજીક ફેરીમાં અચાનક આગ લાગી હતી. આ દરમિયાન 43 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
ફેરીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ
કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં જહાજના એક ભાગમાં ભીષણ આગ ભડકતી જોવા મળી રહી છે. બીજી તરફ, બચાવ કામગીરી દરમિયાન રેસ્ક્યૂ ટીમના સભ્યો મૃતદેહોને બેગમાં લઈ જતા પણ જોવા મળ્યા હતા. આગની ઘટના દરિયાકિનારાથી આશરે 2.2 કિલોમીટર દૂર બની હોવાનું સામે આવ્યું છે.
134 મુસાફરો સવાર હોવાની આશંકા
અધિકારીઓ દ્વારા આગ લાગવાના સમયે ફેરીમાં ચોક્કસ કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો ગુમ છે તેની સત્તાવાર સંખ્યા જાહેર કરવામાં આવી નથી. જોકે, જહાજની રેકોર્ડબુક અનુસાર ફેરીમાં આશરે 134 મુસાફરો સવાર હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે, જેને કિનારે લાવવામાં આવ્યા છે.
બચાવ કામગીરી હજુ ચાલુ
આ દુર્ઘટના બાદ કોસ્ટ ગાર્ડ અને બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા મુસાફરોની શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 43 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 80થી વધુ લોકો અંગે હજુ કોઈ માહિતી મળી નથી. ઘટનાને પગલે ફેરીમાં આગ કયા કારણોસર લાગી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.








