Pakistan Minister Musadik Malik to Visit India for SCO Forum in Delhi: ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદનો આપીને સતત ચર્ચામાં રહેલા પાકિસ્તાનના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ડૉ. મુસાદિક મસૂદ મલિક હવે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના ઐતિહાસિક પુરાના કિલ્લા ખાતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની 'સિવિલાઈઝેશન ડાયલોગ ફોરમ' (સંસ્કૃતિ સંવાદ) બેઠક યોજાવા જઈ રહી છે. ભારત સરકારે યજમાન દેશ તરીકે SCO ના તમામ સભ્ય દેશોને સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું, જેના પગલે પાકિસ્તાને મુસાદિક મલિકને પોતાના પ્રતિનિધિમંડળના નેતા તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત સામે ઝેર ઓકનારા નેતાની આ દિલ્હી મુલાકાત અત્યારે રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને આપી હતી ખુલ્લી ધમકી
મુસાદિક મલિકની ભારત મુલાકાત એટલા માટે પણ વિવાદોમાં છે કારણ કે થોડા મહિના પહેલા જ તેમણે ભારત સામે અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવીને 1960ની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતના આ નિર્ણયથી બોખલાયેલા મુસાદિક મલિકે જૂન 2026માં એક કાર્યક્રમ દરમિયાન ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, "જો કોઈ પણ અમારા હિસ્સાના પાણીને હાથ લગાવશે, તો અમે તેના હાથ કાપી નાખીશું." હવે આ જ નિવેદન આપનારા મંત્રી ભારતની ધરતી પર પગ મૂકવા જઈ રહ્યા છે.
બિલાવલ ભુટ્ટો બાદ 3 વર્ષ પછી પાકિસ્તાની મંત્રીનો ભારત પ્રવાસ
વર્ષ 2023 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પાકિસ્તાની મંત્રી સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવી રહ્યા હોય. અગાઉ મે 2023માં ગોવા ખાતે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભાગ લીધો હતો. ત્યારબાદ પહેલગામ આતંકી હુમલા અને ભારતના 'ઓપરેશન સિંદૂર' પછી બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા હતા. અંદાજે સાડા ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ પાકિસ્તાની મંત્રી દિલ્હી આવી રહ્યા હોવાથી આ ઘટના પર સૌની નજર ટકેલી છે.
SCO સંસ્કૃતિ સંવાદમાં 10 સભ્ય દેશો લેશે ભાગ
નવી દિલ્હીમાં યોજાનારા 'SCO સિવિલાઈઝેશન ડાયલોગ'નો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે યજમાન તરીકે ભારતે તમામ સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. હાલમાં SCO માં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ એમ કુલ 10 કાયમી સભ્ય દેશો સામેલ છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ SCO ના માળખા હેઠળ પરસ્પર સન્માન અને સંવાદ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના અને વિસ્તાર
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની સ્થાપના 15 જૂન, 2001ના રોજ ચીનના શાંઘાઈ ખાતે કરવામાં આવી હતી. તે સમયે રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન એમ છ દેશોએ ભેગા મળીને આ પ્રાદેશિક સંગઠનનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં ભારત અને પાકિસ્તાનને આ સંગઠનનું કાયમી સભ્યપદ મળ્યું હતું. તાજેતરના વર્ષોમાં આ જૂથનો વધુ વિસ્તાર થયો છે, જેમાં 2023માં ઈરાન અને 2024માં બેલારુસ કાયમી સભ્ય તરીકે જોડાયા છે.
આતંકવાદ મુદ્દે ભારતની નીતિ એકદમ સ્પષ્ટ અને અડગ
પાકિસ્તાની મંત્રીના ભારત આગમન વચ્ચે પણ મોદી સરકારે પાકિસ્તાન પ્રત્યેની પોતાની વિદેશ નીતિમાં કોઈ બાંધછોડ કરી નથી. ભારતે ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદને સંપૂર્ણપણે બંધ નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીત કે સમજૂતી શક્ય નથી. આ મુલાકાત માત્ર બહુપક્ષીય (Multilateral) SCO કાર્યક્રમ પૂરતી જ મર્યાદિત છે. ભારત સતત વૈશ્વિક મંચો પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ખુલ્લું પાડી રહ્યું છે, ત્યારે દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાની મંત્રીનું વલણ કેવું રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.








