Pakistan Minister Kidnapped: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પ્રાંતીય મંત્રી ફઝલ શકુર ખાનને અજાણ્યા હથિયારબંધ લોકો દ્વારા કથિત રીતે લઈ જવાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, મંત્રી ચીફ મિનિસ્ટર હાઉસમાં બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે સશસ્ત્ર લોકો દ્વારા તેમનું વાહન રોકવામાં આવ્યું હતું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નકાબધારી લોકો રસ્તો રોકતા જોવા મળે છે. જો, કે આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને પાછળ કોણ છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ગાડીના ટાયરો પર ચલાવવામાં આવી ગોળીઓ
અહેવાલો મુજબ, નકાબધારી લોકોએ મંત્રીની ગાડીને રોકવા માટે તેના ટાયરો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેમને કથિત રીતે પોતાની સાથે લઈ જવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હથિયારો સાથે કેટલાક લોકો રસ્તા પર વાહન રોકતા જોવા મળે છે. જો, કે વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ હજુ સામે આવી નથી.
PTI નેતા શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો આરોપ
આ ઘટનાની સાથે જ PTIના પ્રાંતીય મંત્રી શકીલ અહેમદ સાથે જોડાયેલી બીજી ઘટનાએ પણ ચર્ચા જગાવી છે. Dawnના અહેવાલ મુજબ, મલાકંદના બટખૈલા બાયપાસ પર શકીલ અહેમદના અપહરણનો કથિત પ્રયાસ થયો હોવાનો પાર્ટી તરફથી આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાને લઈને પોલીસ અને મંત્રી તરફથી અલગ-અલગ દાવા સામે આવ્યા છે. પોલીસની FIRમાં મંત્રી અને અન્ય લોકો સામે ફાયરિંગનો આરોપ છે, જ્યારે શકીલ અહેમદે અજાણ્યા હથિયારબંધ લોકો સામે કાર્યવાહી કરવાની અરજી કરી છે.
ઘટનાના વિરોધમાં PTI કાર્યકર્તાઓનો વિરોધ
ઘટનાઓ બાદ PTI કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, મલાકંદમાં કાર્યકર્તાઓએ રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો. ખૈબર પખ્તૂનખ્વા વિધાનસભામાં પણ ફઝલ શકુરની કથિત ધરપકડને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અને ઘટનાને ગંભીર ગણાવવામાં આવી. વિધાનસભામાં પોલીસની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં ફઝલ શકુર ખાનને કયા સંજોગોમાં અને કોના દ્વારા લઈ જવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ સત્તાવાર વિગતો સ્પષ્ટ નથી. આ ઘટનાને લઈને તપાસ આગળ વધે તેમ વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.








