Indias security shield: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં ભાજપ દ્વારા ‘સંકલ્પ સે સિદ્ધિ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સરકારની સંરક્ષણ નીતિ અને છેલ્લા એક દાયકામાં થયેલા ફેરફારોને લઈને ચર્ચા તેજ બની છે. સરકાર દ્વારા સંરક્ષણ બજેટમાં વધારો, સ્વદેશી ઉત્પાદન, સૈન્ય આધુનિકીકરણ અને સંરક્ષણ એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ, 2013-14માં ₹2,53,346 કરોડ રહેલું સંરક્ષણ બજેટ 2024-25માં ₹6,21,940.85 કરોડ થયું હતું.
ડિફેન્સ સ્ટાફ (CDS)ની વ્યવસ્થા પણ અમલમાં આવી
મોદી સરકારના કાર્યકાળ દરમિયાન સૈન્ય આધુનિકીકરણ માટે રાફેલ, S-400, સુખોઈ-30, ચિનૂક, તેજસ અને પિનાકા જેવી વિવિધ પ્રણાલીઓ ભારતીય સંરક્ષણ ક્ષમતાનો ભાગ બની છે. આ ઉપરાંત ત્રણેય સેનાઓ વચ્ચે વધુ સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની વ્યવસ્થા પણ અમલમાં આવી છે. સરકાર તરફથી બુલેટપ્રૂફ જેકેટ, આધુનિક હેલ્મેટ, નાઇટ વિઝન સાધનો અને થર્મલ ઇમેજિંગ જેવી સુવિધાઓ દ્વારા સૈનિકોની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એરસ્ટ્રાઈક અને તાજેતરના ઓપરેશન સિંદૂર જેવા સૈન્ય અભિયાનોને સરકાર પોતાની આતંકવાદ વિરોધી નીતિના ઉદાહરણ તરીકે રજૂ કરે છે.
FY2023-24માં રેકોર્ડ ₹1.27 લાખ કરોડ થયું
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા સરકારની નીતિનો મહત્વનો ભાગ બની છે. સરકારી આંકડા મુજબ, ભારતનું સંરક્ષણ ઉત્પાદન FY2014-15ના ₹46,429 કરોડથી વધીને FY2023-24માં રેકોર્ડ ₹1.27 લાખ કરોડ થયું હતું, જે લગભગ 174 ટકાનો વધારો છે. સંરક્ષણ એક્સપોર્ટ પણ FY2023-24માં ₹21,083 કરોડ સુધી પહોંચી હતી અને FY2024-25માં વધુ વધીને ₹23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. સરકારના જણાવ્યા મુજબ, FY2024-25માં ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની એક્સપોર્ટ લગભગ 80 દેશોમાં થઈ હતી.
સંરક્ષણ પ્રણાલીઓના સ્થાનિક ઉત્પાદન પર ભાર વધાર્યો
સ્વદેશીકરણ સાથે ભારતે તેજસ, આકાશ, પિનાકા, વિવિધ ડ્રોન અને મિસાઇલ સિસ્ટમ સહિત અનેક સંરક્ષણ પ્રણાલીઓના સ્થાનિક ઉત્પાદન પર ભાર વધાર્યો છે. 2022માં ભારતીય નૌકાદળના નવા ધ્વજમાં વસાહતી સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવી ભારતીય પરંપરાથી પ્રેરિત પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ અગ્નિવીર યોજના, પૂર્વ સૈનિકોના કલ્યાણ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખાને લઈને પણ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. સરકારના મતે આ નીતિઓનો હેતુ ઈમ્પોર્ટ પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને એક્સપોર્ટને વધુ મજબૂત બનાવવાનો છે. જોકે, સંરક્ષણ ક્ષેત્રની વાસ્તવિક આત્મનિર્ભરતા અને ઈમ્પોર્ટ પરની નિર્ભરતામાં કેટલો ઘટાડો થયો છે તે અંગેનું મૂલ્યાંકન અલગ-અલગ આંકડાઓ અને નિષ્ણાતોના વિશ્લેષણના આધારે કરવું પડે છે.








