Oman Ship Attack: પશ્ચિમ એશિયાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક કમર્શિયલ જહાજ પર હુમલો થયો છે. આ ઘટનામાં જહાજ પર સવાર મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા. હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઘટનાની સખત નિંદા કરી છે અને દરિયાઈ ક્ષેત્રમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
13 ભારતીય નાગરિકો સુરક્ષિત, એક નાવિક હજુ લાપતા
ઓમાનના તટ નજીક કમર્શિયલ જહાજ MT El Gaia પર હુમલો થયો હતો. જહાજમાં કુલ 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 13 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક ભારતીય નાવિક હજુ લાપતા છે અને તેની શોધખોળ માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી રહ્યું છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારતે ઓમાનના સહયોગ બદલ આભાર પણ માન્યો છે.
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હિંસા અસ્વીકાર્ય: ભારત
ભારતે સમગ્ર વિસ્તારમાં હિંસા ઘટાડવા અને વિવાદોના ઉકેલ માટે વાતચીત તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વેપારી જહાજો, નાવિકો, સામાન્ય નાગરિકો અને સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી. ભારતે ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત અને સુરક્ષિત નેવિગેશન તથા વાણિજ્યિક વ્યવહાર વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની પણ અપીલ કરી છે. સાથે જ ભારતે તણાવ તાત્કાલિક ઓછો કરીને પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી પ્રયાસો પર ભાર મૂક્યો છે.








