Nikhil Gupta Confesses Pannun Murder Plot: ખાલિસ્તાની આતંકવાદી સંગઠન 'શીખ્સ ફોર જસ્ટિસ' (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાના કેસમાં એક સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી 54 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ કબૂલાત બાદ ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.
ત્રણ ગંભીર આરોપોની કબૂલાત
મીડિયા અહેવાલો અનુસાર, નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીની મેનહટન ફેડરલ કોર્ટમાં યુએસ મેજિસ્ટ્રેટ જજ સારાહ નેટબર્ન સમક્ષ હાજરી આપી હતી. સુનાવણી દરમિયાન, ગુપ્તાએ પોતાની સામે લાદવામાં આવેલા ત્રણ મુખ્ય ગુનાહિત આરોપો કોન્ટ્રાક્ટ મર્ડરનું કાવતરું (હત્યાની સોપારી આપવી), હત્યા કરવાનું કાવતરું, મની લોન્ડરિંગનું કાવતરું સ્વીકાર્યા છે.
40 વર્ષની જેલની સજા થઈ શકે છે
મેનહટનમાં યુએસ એટર્ની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો આ આરોપો હેઠળ નિખિલ ગુપ્તા દોષિત ઠરે, તો તેને મહત્તમ 40 વર્ષની જેલની સજા થઈ શકે છે. અગાઉ, પ્રત્યાર્પણ વખતે ગુપ્તાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા, પરંતુ હવે અચાનક ગુનો કબૂલી લેતા કાનૂની નિષ્ણાતો તેને કેસમાં મહત્વની કડી માની રહ્યા છે.
ચેક રિપબ્લિકથી ન્યૂયોર્ક સુધીની સફર
નિખિલ ગુપ્તાની જૂન 2023માં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે લગભગ એક વર્ષ સુધી કસ્ટડીમાં રહ્યો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, જૂન 2024માં તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ન્યૂયોર્કના બ્રુકલિનની જેલમાં બંધ છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે ગુપ્તાએ પન્નુની હત્યા માટે એક હિટમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જે વાસ્તવમાં અમેરિકન એજન્સીનો અન્ડરકવર એજન્ટ હતો.
"અમારી કોઈ ભૂમિકા નથી"
યુએસ પ્રોસિક્યુટર્સનો એવો પણ આરોપ છે કે ગુપ્તા કોઈ ભારતીય સરકારી અધિકારી સાથે સંપર્કમાં હતો અને તેના નિર્દેશ પર જ આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. જોકે, ભારત સરકારે શરૂઆતથી જ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈપણ પ્રવૃત્તિ કે કાવતરામાં તેની કોઈ ભૂમિકા નથી અને આ પ્રકારના કૃત્યો ભારતની વિદેશ નીતિ અને સરકારી સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
ભારત સરકારે ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે
ગુરપતવંત સિંહ પન્નુ, જે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે, તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક નિવેદનો માટે જાણીતો છે. ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. હવે જ્યારે નિખિલ ગુપ્તાએ ગુનો કબૂલ્યો છે, ત્યારે આગામી સમયમાં કોર્ટ તેની સજા અંગે શું ફેંસલો લે છે તેના પર આખા વિશ્વની નજર રહેશે.








