Zohrab Mamdani News: વિશ્વની આર્થિક રાજધાની ગણાતા ન્યૂયોર્ક શહેરના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ભારતીય મૂળના 34 વર્ષીય ડેમોક્રેટ નેતા જોહરાન મમદાની આજે ન્યૂયોર્કના મેયર તરીકે શપથ લેશે. આ ક્ષણ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે મમદાની ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયન અને પ્રથમ આફ્રિકામાં જન્મેલા મેયર બનશે. અત્યાર સુધી અહીંના મેયરો બાઇબલ પર હાથ રાખી શપથ લેતા હતા, પરંતુ મમદાની ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન પર હાથ રાખી પદના શપથ લેનારા પ્રથમ મેયર બનશે.
બે અલગ-અલગ સ્થળે શપથ વિધિ
મમદાનીની ટીમ દ્વારા આજે બે તબક્કામાં શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ કાર્યક્રમ ન્યૂયોર્ક સિટી હોલની નીચે આવેલા એક વર્ષોથી બંધ પડેલા ઐતિહાસિક સબવે સ્ટેશનમાં યોજાશે. આ એક અત્યંત ખાનગી સમારોહ હશે, જેમાં માત્ર મમદાનીનો પરિવાર જ હાજર રહેશે. આ અનોખા સ્થળની પસંદગી દ્વારા મમદાની શહેરના સામાન્ય શ્રમિક વર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માંગે છે. ત્યારબાદ બપોરે સિટી હોલ ખાતે ભવ્ય સાર્વજનિક સમારોહ યોજાશે.
ઐતિહાસિક અને પારિવારિક કુરાનનો સંગમ
શપથ ગ્રહણ માટે મમદાની કુલ ત્રણ કુરાનનો ઉપયોગ કરશે, જેમાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. સબવે સ્ટેશનના ખાનગી સમારોહમાં તેઓ બે કુરાન પર હાથ રાખશે. એક તેમના દાદાનું અંગત કુરાન અને બીજું 18મી કે 19મી સદીનું અત્યંત દુર્લભ 'પોકેટ સાઈઝ' કુરાન. આ નાનકડું કુરાન ન્યૂયોર્ક પબ્લિક લાઇબ્રેરીના શૉમ્બર્ગ સેન્ટરના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જે શહેરના શ્યામ વર્ણના મુસ્લિમોના સમૃદ્ધ ઇતિહાસનું પ્રતીક છે.
દાદા-દાદીના વારસાને સન્માન
બપોરે યોજાનારા બીજા જાહેર શપથ ગ્રહણ સમારોહમાં મમદાની તેમના દાદા અને દાદી બંનેના અંગત કુરાનનો ઉપયોગ કરશે. આ પવિત્ર ગ્રંથોની પસંદગી મમદાનીની પત્ની રમા દુવાજીએ કરી છે. નિષ્ણાતોના મતે, શપથ વિધિમાં આ કુરાનનો ઉપયોગ ન્યૂયોર્કમાં દાયકાઓથી વસતા મુસ્લિમ સમુદાયની ઓળખ અને શહેરના વિકાસમાં તેમના યોગદાનને સત્તાવાર સ્વીકૃતિ આપવા સમાન છે.
મોંઘવારીના મુદ્દે મેળવ્યો પ્રચંડ જનાદેશ
ચૂંટણી પ્રચાર દરમિયાન જોહરાન મમદાનીએ મોંઘવારી, ઘરના ભાડા અને સામાન્ય જનતાની આર્થિક સમસ્યાઓને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. તેમણે કોઈ પણ ખચકાટ વિના પોતાની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ રજૂ કરી હતી. શહેરની મસ્જિદોની મુલાકાત લઈને તેમણે ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા દક્ષિણ એશિયાઈ અને મુસ્લિમ યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, જેના પરિણામે આજે તેઓ આ સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે.
બંધારણીય જોગવાઈ અને પરંપરા
અમેરિકી બંધારણ મુજબ, કોઈપણ હોદ્દાના શપથ લેવા માટે કોઈ ચોક્કસ ધાર્મિક ગ્રંથનો ઉપયોગ કરવો ફરજિયાત નથી, છતાં પરંપરાગત રીતે ખ્રિસ્તી ધર્મના બાઇબલનો ઉપયોગ થતો આવ્યો છે. મમદાની દ્વારા કુરાનની પસંદગી એ અમેરિકાની વિવિધતા અને બહુસાંસ્કૃતિક ઓળખને મજબૂત કરતું એક પ્રગતિશીલ કદમ માનવામાં આવી રહ્યું છે.








