Israel-India Relations: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલના મજબૂત વ્યૂહાત્મક સંબંધો, આતંકવાદ સામેની લડાઈ અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. નેતન્યાહૂએ આ વાતચીત દરમિયાન PM મોદીને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસના સમારંભમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ પણ આપ્યું હતું.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને PM મોદી સાથેની વાતચીતની જાણકારી આપી હતી. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવતાં ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસના સમારંભમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. નેતન્યાહૂની પોસ્ટ મુજબ, તેમણે આ સમારંભમાં વીર ભારતીય પાયલટ સ્મિત મચ્છર સાથે મશાલ પ્રજ્વલિત કરવા માટે PM મોદીને આમંત્રણ આપ્યું છે.
આતંકવાદ સામે સાથે મળીને લડવાનો સંકલ્પ
વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને આતંકવાદ સામે સાથે મળીને લડવાના સંકલ્પ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેતન્યાહૂએ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે PM મોદીએ આમંત્રણ બદલ આભાર માન્યો હતો. બંને દેશો વચ્ચે સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ પ્રકારની વાતચીત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
PMOએ પણ વાતચીતની કરી પુષ્ટિ
ભારતના વડાપ્રધાન કાર્યાલય (PMO)એ પણ બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીતની પુષ્ટિ કરી હતી. PMOના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી અને બેન્ઝામિન નેતન્યાહૂએ ભારત-ઈઝરાયેલ સંબંધોમાં સતત થઈ રહેલી પ્રગતિનું સ્વાગત કર્યું હતું. વાતચીત દરમિયાન PM મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સંવાદ અને કૂટનીતિને આગળ વધારવાના ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.
ભારત-ઈઝરાયેલ સંબંધો માટે શું છે મહત્ત્વ?
ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ રહ્યો છે. બંને દેશોના નેતાઓ વચ્ચેની આ વાતચીત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વચ્ચે ભારતે શાંતિ અને સ્થિરતા માટે સંવાદ તથા કૂટનીતિ પર ભાર મૂક્યો છે. આ રીતે, PM મોદી અને નેતન્યાહૂ વચ્ચેની વાતચીતમાં એક તરફ બંને દેશોના વ્યૂહાત્મક સંબંધો પર ભાર મૂકાયો હતો, તો બીજી તરફ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના અભિગમનો પણ પુનરોચ્ચાર થયો હતો.








