Nepal Flood News: નેપાળમાં ભયાનક પૂર બાદ રાહત અને બચાવ કામગીરી વચ્ચે વડાપ્રધાન બાલેન શાહે ભારત અને ચીન તરફથી મળેલી મદદ બદલ બંને દેશોનો આભાર માન્યો છે. 2 સપ્ટેમ્બરે સંસદમાં સંબોધન દરમિયાન બાલેન શાહે ‘થેંક્યૂ ઈન્ડિયા’ કહીને ભારતની મદદની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટે સરકાર પહેલેથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહી છે.
ભારત તરફથી સતત મળી રહી છે મદદ
નેપાળમાં 26 ઓગસ્ટે અચાનક આવેલા ભયાનક પૂર બાદ ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે 4000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહ સાથે ફોન પર વાત કરીને ભારત તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ત્યારબાદ ભારત દ્વારા નેપાળમાં સતત રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. તેમાં ખાદ્ય સામગ્રી, દવાઓ અને બ્રિજના નિર્માણ માટે જરૂરી સામાન સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતે DNA નિષ્ણાતોની ટીમ પણ નેપાળ મોકલી છે.
‘આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય મદદ ન લઈએ?’
વિદેશી મદદ લેવામાં સરકાર ખચકાઈ રહી હોવાના સવાલોનો જવાબ આપતા બાલેન શાહે કહ્યું કે આટલા મોટા સંકટ દરમિયાન આંતરરાષ્ટ્રીય સહયોગ ન લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટે સરકાર શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહી છે અને ઉપલબ્ધ તમામ મદદનો ઉપયોગ રાહત તથા બચાવ કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે.
પૂરની માહિતી આપવામાં વિલંબના આરોપો પર જવાબ
પૂર પહેલાં અને દરમિયાન લોકોને સમયસર માહિતી આપવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના સવાલો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં બાલેન શાહે જણાવ્યું કે સરકારે પૂર અંગે માહિતી આપવા માટે 11 લાખ SMS મોકલ્યા હતા. તેમણે સમયસર માહિતી ન આપવાના આરોપોને ફગાવી દેતાં કહ્યું કે આ આપત્તિ અણધારી અને વિચારી ન શકાય તેવી હતી. સંકટની માહિતી મળતાં જ સરકારે આશરે 1.1 મિલિયન નાગરિકોને તાત્કાલિક SMS દ્વારા ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્ય અને સ્થાનિક સ્તરે સંકલન અંગે શું કહ્યું?
સરકાર રાજ્ય અને સ્થાનિક સ્તરે રાહત કામગીરીનું યોગ્ય સંકલન કરી શકી નથી તેવા સવાલનો પણ વડાપ્રધાન બાલેન શાહે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે સરકારી તંત્ર રાજ્ય અને સ્થાનિક સ્તરે સતત સંપર્કમાં છે. સંકલન દ્વારા જ રાહત અને બચાવ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે અને વિવિધ સ્તરે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાઈડ્રોઈલેક્ટ્રિક ટનલમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ પર જવાબ
પૂર દરમિયાન હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં અનેક લોકો ફસાયા હતા. તેમને બચાવવામાં વિલંબ અંગે પણ સરકાર સામે સવાલો ઉઠ્યા હતા. આ અંગે બાલેન શાહે જણાવ્યું કે રાજ્યના તમામ સંબંધિત તંત્ર શરૂઆતથી જ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા છે. ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન સામાન્ય બચાવ કામગીરી કરતાં અલગ અને વધુ ટેકનિકલ હોય છે. તેથી જરૂરી ટેકનિકલ જાણકારી અને ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારત-ચીનની મદદનો બાલેન શાહે માન્યો આભાર
નેપાળના ગંભીર પૂર સંકટ વચ્ચે ભારત અને ચીન તરફથી મળી રહેલી રાહત અને સહાયનો ઉલ્લેખ કરતા બાલેન શાહે બંને દેશોનો આભાર માન્યો છે. ખાસ કરીને ભારત તરફથી મળી રહેલી સતત મદદ બદલ તેમણે સંસદમાં ‘થેંક્યૂ ઈન્ડિયા’ કહીને આભાર વ્યક્ત કર્યો હતો.








