Nepal Flood News: નેપાળ અને ચીન-નેપાળ સરહદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને હિમપ્રપાત બાદ તબાહીનું ચિત્ર વધુ ભયાનક બની રહ્યું છે. શુક્રવાર સાંજ સુધીમાં આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 584 લોકોના મોત થયા છે, જ્યારે 2,482 લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં 579 લોકોના મોત અને 1,924 લોકો ગુમ થયાની માહિતી છે, જ્યારે તિબેટમાં પાંચ લોકોના મોત અને 558 લોકો લાપતા છે.
320 ભારતીયો પણ સંપર્કવિહોણા
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. બચાવ અને રાહત ટીમો સતત શોધખોળ કરી રહી છે. જોકે, દુર્ગમ ભૂપ્રદેશ, ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળ પોલીસનું કહેવું છે, કે લાપતા લોકોની સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે અનેક લોકોનો સંપર્ક તૂટેલો છે અને તેમની ચોક્કસ માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી છે.
ત્રીજા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ
પૂર અને હિમપ્રપાતની ઘટના બાદ ત્રીજા દિવસે પણ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કામગીરીમાં 7,451 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં નેપાળી સેનાના 2,391 જવાનોનો સમાવેશ થાય છે. કાટમાળ, પાણીના તેજ પ્રવાહ અને જોખમી પહાડી વિસ્તારો વચ્ચે સુરક્ષા દળો લાપતા લોકોને શોધી રહ્યા છે.
ફરી તળાવ ઓવરફ્લો થતાં બચાવ ટીમોને હટવું પડ્યું
શુક્રવારે એક અસ્થિર અવરોધથી બનેલું તળાવ ઓવરફ્લો થતાં બચાવ ટીમોને કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તેના કારણે ભોટે કોશી નદીમાં ફરી પાણીનો મોટો પ્રવાહ આવ્યો હતો. આ દરમિયાન વધુ એક હિમપ્રપાતમાં આશરે 50,000 ઘન મીટર બરફ અને કાટમાળ નીચે ધસી આવ્યો હોવાનું સામે આવ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં ઉપરવાસમાં વધુ એક મોટું તળાવ પણ જોવા મળ્યું છે, પરંતુ તેમાંથી પાણી બહાર નીકળવાનો કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ફરી જોખમની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓનો હજુ કોઈ પત્તો નહીં
આ કુદરતી આફત વચ્ચે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ એટલે કે સદગુરુ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના 77 યાત્રાળુઓ પણ છેલ્લા બે દિવસથી લાપતા છે. આ તમામ લોકો કૈલાશ માનસરોવર યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈશા ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, બચાવ ટીમો ઘટનાસ્થળે છે, પરંતુ હજુ સુધી આ 77 લોકો અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તેમના પરિવારો સતત કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે.
સદગુરુએ આપત્તિના કેન્દ્ર સુધી જવાની તૈયારી દર્શાવી હતી
સદગુરુએ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ગૈરોંગ વિસ્તાર સુધી પહોંચવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ જરૂરી પરવાનગી ન મળવાને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નથી. ઈશા ફાઉન્ડેશને ભારત, ચીન અને નેપાળના સંબંધિત દૂતાવાસો અને મંત્રાલયનો સંપર્ક કરીને લાપતા યાત્રાળુઓને શોધવામાં મદદની અપીલ કરી છે. આ 77 સભ્યોના સમૂહમાં 19 દેશોના યાત્રાળુઓ સામેલ હોવાનું જણાવાયું છે. લાપતા લોકોમાં અમેરિકાના 22, કેનેડાના 12, ઓસ્ટ્રેલિયાના 11, બ્રિટનના 9, જર્મનીના 4 તથા ફ્રાન્સ અને નેપાળ સહિતના દેશોના યાત્રાળુઓનો સમાવેશ થાય છે.
પરિવારોની ચિંતા વધી
નેપાળમાં વિનાશક પૂર બાદ એક તરફ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તો બીજી તરફ હજારો લોકોનો હજુ કોઈ પત્તો નથી. ખાસ કરીને લાપતા ભારતીયો અને કૈલાશ માનસરોવર યાત્રાળુઓના પરિવારજનોની ચિંતા વધી છે. હાલ રાહત અને બચાવ ટીમોની સૌથી મોટી પ્રાથમિકતા કાટમાળ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને શોધી સુરક્ષિત બહાર કાઢવાની છે. સ્થિતિ હજુ પણ ગંભીર અને સતત બદલાતી હોવાથી સત્તાવાર આંકડાઓમાં આગામી દિવસોમાં ફેરફાર થઈ શકે છે.








