Drug Trafficking Navpreet Singh: ભારતીય સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્ર સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો વિજય મળ્યો છે. વિદેશમાં બેસીને ભારત સામે ડ્રગ્સનું જાળું પાથરતા કુખ્યાત ડ્રગ તસ્કર નવપ્રીત સિંહને તુર્કિયેથી ભારત પ્રત્યાર્પણ (Extradite) કરીને લાવવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ભારતીય તપાસ એજન્સીઓની ચોક્કસ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય સહયોગનું પરિણામ છે. નવપ્રીત સિંહ લાંબા સમયથી ભારતમાં વિવિધ સ્થળે ગેરકાયદેસર નશીલા પદાર્થો સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો અને સુરક્ષા દળોથી બચવા માટે વિદેશમાં આશ્રય લઈ રહ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કરી મહત્વની જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ સિદ્ધિ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે દેશની જનતા સાથે આ સમાચાર શેર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દેશમાંથી ડ્રગ્સનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવા માટે સતત કામ કરી રહી છે. અમિત શાહે નવપ્રીત સિંહને ભારત લાવવાની આ પ્રક્રિયાને એક 'ઐતિહાસિક સિદ્ધિ' ગણાવી હતી અને આ સફળતા પાછળ રાત-દિવસ મહેનત કરનારી તમામ સુરક્ષા અને તપાસ એજન્સીઓની પ્રશંસા કરી હતી.
નકલી ઓળખ અને તુર્કિયે નાગરિકતાનો પર્દાફાશ
ડ્રગ કિંગપિન નવપ્રીત સિંહે કાયદાની નજરમાંથી બચવા માટે નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખ ઊભી કરી હતી. તેણે તુર્કિયેની નાગરિકતા પણ મેળવી લીધી હતી, જેથી તેને કોઈ ઝડપી ન શકે. જોકે, ભારતીય એજન્સીઓ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ તેની દરેક મુવમેન્ટ પર નજર રાખી હતી. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને કાયદાકીય પ્રક્રિયાનો યોગ્ય ઉપયોગ કરીને ભારતે તુર્કિયે સરકાર પાસેથી તેનું સફળતાપૂર્વક દેશનિકાલ અને પ્રત્યાર્પણ કરાવ્યું છે.
2029 સુધીમાં નાર્કો-કાર્ટેલ નાબૂદ કરવાનો સંકલ્પ
ગૃહમંત્રી અમિત શાહે દેશને ખાતરી આપતા ફરી એકવાર ભારત સરકારનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ડિસેમ્બર 2029 પહેલા દેશના દરેક નાના-મોટા નાર્કો-કાર્ટેલ અને ડ્રગ્સ નેટવર્કને સંપૂર્ણપણે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સરકારે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે અને વિદેશી ધરતી પરથી ચાલતા ભારતીય વિરોધી ડ્રગ્સ નેટવર્ક પર સીધો પ્રહાર શરૂ કરી દીધો છે.
ડ્રગ્સ સામેના યુદ્ધમાં નવો વળાંક
નવપ્રીત સિંહનું પ્રત્યાર્પણ એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે વિદેશી ધરતી પર છુપાયેલા ગુનેગારો પણ હવે ભારતીય કાયદાથી બચી શકશે નહીં. આ કાર્યવાહીથી સરહદ પારથી ચાલતા ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપારને મોટો ઝાટકો લાગ્યો છે. આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન નવપ્રીત સિંહ પાસેથી ભારતમાં સક્રિય અન્ય ડ્રગ સ્મગલરો અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગેના ઘણા મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.








