Donation Theft Allegation at Badrinath: અયોધ્યાના રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દાન ગણતરી દરમિયાન ચોરી થયાનો દાવો વાયરલ થતાં શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મામલાની ગંભીર નોંધ લઈને આંતરિક તપાસના આદેશ આપ્યા છે. આ વિવાદે કરોડો ભક્તોની આસ્થાને ઝાટકો આપ્યો છે.
તપાસ સમિતિની રચના, કર્મચારીઓને નોટિસ
BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું, કે વાયરલ અહેવાલોને ગંભીરતાથી લઈને 24 કલાકમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દાન ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. સાથે જ તટસ્થ તપાસ માટે વિશેષ સમિતિ રચવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
હિન્દુ સંગઠનના નેતાએ લગાવ્યો ચોરીનો આરોપ
આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે ‘ભૈરવ સેના’ના સ્થાપક સંદીપ ખત્રીએ BKTCના સીઈઓને ફરિયાદ પત્ર મોકલી દાનની ગણતરી દરમિયાન ચોરી થયાનો આક્ષેપ કર્યો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે, કે 2 જુલાઈની સવારે બદ્રીનાથ ધામમાં દાનની રકમની ગણતરી વખતે ચોરી થઈ હતી અને આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ફરિયાદમાં BKTC અધ્યક્ષના કથિત અંગત સચિવ પર દાનની રકમમાંથી ચોરી કરવાનો આરોપ મૂકાયો છે.
અધ્યક્ષે ‘અંગત સચિવ’નો દાવો નકાર્યો
BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આરોપી તેમનો અંગત સચિવ હોવાનો દાવો ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કહ્યું, કે તેમનો કોઈ પર્સનલ સેક્રેટરી નથી અને જે કર્મચારીનું નામ સામે આવી રહ્યું છે, તે મંદિર સમિતિનો નિયમિત સ્ટાફ છે. બીજી તરફ, સીઈઓ સોહન સિંહ રંગડે જણાવ્યું, કે ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા છે, પરંતુ ઉપલબ્ધ દૃશ્યો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.
તપાસ પૂર્ણ થયા બાદ જ થશે સત્ય બહાર
મંદિર સમિતિએ જણાવ્યું છે, કે દાનની ગણતરી નિર્ધારિત અને પારદર્શક પ્રક્રિયા હેઠળ થાય છે, જેમાં બેંક કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય અધિકૃત સભ્યો હાજર રહે છે. હાલ તપાસ ચાલી રહી છે અને તમામ પુરાવા, સીસીટીવી ફૂટેજ તથા સંબંધિત લોકોના નિવેદનોના આધારે રિપોર્ટ તૈયાર થશે. જો કોઈ કર્મચારી દોષિત સાબિત થશે તો તેના સામે કડક કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.








