NALSAR Controversy: નાલસાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા વિવાદને પગલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના પ્રમુખ મનન કુમાર મિશ્રા સામે વિરોધનો સૂર વધુ તેજ બન્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ઓલ ઇન્ડિયા યંગ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું એલાન કરીને BCI ચેરમેનના રાજીનામાની માંગ કરવામાં આવી છે. CJPના નેતાઓએ પણ આ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે નાલસાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહમાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય અતિથિ બનાવવાના નિર્ણય સામે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ BCI તરફથી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ જાહેર થતાં મામલો વધુ ગરમાયો હતો.
વિદ્યાર્થીઓ સામે શું હતો BCIનો આદેશ?
નાલસાર યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવાના પ્રસ્તાવ સામે લેખિતમાં વાંધો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે BCI પ્રમુખ મનન કુમાર મિશ્રાએ આ વર્ષે નાલસાર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓની એડવોકેટ તરીકેની નોંધણી રોકવાનો આદેશ આપ્યો હતો. BCI તરફથી જણાવાયું હતું કે વિદ્યાર્થીઓના આ અભિયાન પાછળ જવાબદાર લોકો અંગે તપાસ ચાલી રહી છે. જોકે, આ નિર્ણય સામે ભારે વિરોધ શરૂ થતાં થોડા જ સમયમાં આદેશ પરત ખેંચી લેવામાં આવ્યો હતો.
વિવાદ વધ્યો તો BCI ચેરમેને માંગી માફી
આદેશને લઈને થયેલા વિરોધ બાદ મનન કુમાર મિશ્રાએ પોતાના નિવેદનમાં વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોય તો ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તેમના કોઈ શબ્દો કે પત્રથી કાનૂની શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોય તો તેઓ તેના માટે પ્રામાણિકપણે દિલગીરી વ્યક્ત કરે છે અને માફી માંગે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે માફી માંગવી અહંકારનો પ્રશ્ન નથી અને વિદ્યાર્થીઓની ચિંતા તથા લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે.
CJP અને યુવા વકીલોને શું કહ્યું?
મનન કુમાર મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે BCI વિદ્યાર્થીઓના હિત માટે જ કામ કરી રહ્યું છે. તેમણે CJPના નેતાઓ તેમજ અભિજિત દીપક સહિત સંબંધિત લોકો સાથે જરૂર પડ્યે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલે સંચાર દરમિયાન ક્યાંક ગેરસમજ ઊભી થઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને યુવા વકીલોનું હિત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા માટે સર્વોચ્ચ છે.
હવે રાજીનામાની માંગથી વિવાદ વધુ ગરમાયો
આ મામલે આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં વિરોધ અટક્યો નથી. CJP અને યુવા વકીલો દ્વારા BCI પ્રમુખ સામે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે. હવે આ વિરોધ કેટલો આગળ વધે છે અને BCI તરફથી આગામી સમયમાં શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.








